મહિસાગર જિલ્લા તંત્ર દ્વારા થેલેસીમિયા દર્દીઓના ઘેર જઈ નિઃશુલ્ક દવા પહોંચાડાઈ

મહિસાગર જિલ્લા તંત્ર દ્વારા થેલેસીમિયા દર્દીઓના ઘેર જઈ નિઃશુલ્ક દવા પહોંચાડાઈ
Spread the love
  • લોકડાઉનમાં થેલેસીમિયાના દર્દીઓને દવા મળતાં દર્દી તેમજ પરિવારજનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો

લુણાવાડા,
કોરોનાવાયરસની મહામારીએ સમગ્ર વિશ્વ સહિત ભારત દેશને તેના ભયંકર ભરડામાં લીધો છે. ત્યારે તેનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનથી માનવીય સંચાર થંભી ગયો છે. જનજીવન કઈ નથી થંભી ગયું. આ મહામારીમાં કર્મયોગીઓ અનેક વિટંબણા મુશ્કેલીઓ છતાં રાષ્ટ્રભાવના સાથે લોકહિતમાં તેમની અમૂલ્ય સેવાઓ બજાવી રહ્યા છે.

મહિસાગર જિલ્લામાં ચાર તાલુકામાં ૧૨ જેટલા થેલેસેમિયાના દર્દીઓ છે. થેલેસીમિયાના દર્દીઓને નિયમિત રીતે દવા અને રક્તની જરૂર હોય છે. તે માટે દર્દીને લઈને પરિવારજનો કોરોનાના કપરા સમયમાં અન્યત્ર દવા લેવા જઈ શકતા નથી અને સારવાર કરાવી શકતા નથી. જેના કારણે થેલેસીમિયાના દર્દીઓના પરિવારજનો ઘણા જ ચિંતિત હતા કે આ દર્દીને દવા અને રક્ત કેવી રીતે લાવી સારવાર કરાવી શકાશે.

 

આ વિકટ સંજોગોમાં જિલ્લાના કલેકટર શ્રી આર.બી. બારડે જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી થેલેસીમિયાના દર્દીઓની માહિતી મંગાવી તેમને નિયમિત રીતે દવા અને રક્ત મળી શકે તેમજ તેમની સારવાર થાય તેવા ઉમદા હેતુથી જિલ્લા આરોગ્ય તંત્રને માર્ગદર્શન આપી સમયસર દવાઓ અને રક્ત પહોંચે તેવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. તે સંદર્ભે થેલેસીમિયાના દર્દીને બહારગામ ન જવું પડે તે માટે જિલ્લા આરોગ્ય તંત્રના કર્મયોગીઓ દ્વારા થેલેસીમિયાના દર્દીઓને નિઃશુલ્ક દવા તેમના ઘરે ઘરે જઈ પહોંચાડવામાં આવી હતી. તેમજ રક્ત માટે પણ વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી. આ અંગે લુણાવાડાનાં મોડાસા ફળીના ૧૬ વર્ષના થેલેસીમિયા દર્દી શ્રી અબુ જમાલે પ્રતિસાદ આપતા જણાવ્યું કે, હું જન્મજાત થી થેલેસીમિયાની બીમારીથી પીડાવ છું. મારે નિયમિત રીતે દવા અને રક્તની જરૂરિયાતના કારણે આ સમયમાં ઘણો ચિંતિત હતો. બહાર જઈ શકાતું ન હતું, દવાની જરૂર હતી, આ વિકટ સંજોગોમાં અમારી વહારે જિલ્લા વહીવટીતંત્ર આવ્યું, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર શ્રી કલ્પેશભાઈ સુથાર દ્વારા ઘરે દવા પહોંચાડવામાં આવી તેમજ રક્તની જરૂરિયાત માટે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ગોધરાનાં સંકલનથી વિનામૂલ્યે રક્ત પૂરુ પાડવાનું આયોજન કરી આપવામાં આવ્યું હતું.
થેલેસીમિયાના દર્દીઓ અને પરિવારજનોએ લોકડાઉનના કપરા કાળમાં ઘરે બેઠા દવા અને રક્તની જરૂરિયાત પૂર્ણ થતાં સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ રીતે મહિસાગર જિલ્લાનાં ચાર તાલુકામાં આવેલ ૧૨ થેલેસીમિયાના દર્દીઓને દવા તેમજ રક્તની જરૂરિયાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મલેકપુર, વરધરી, ઉંદરા, અર્બન હેલ્થ સેન્ટ્રલ લુણાવાડા, બાલાસિનોર દ્વારા પૂરી પાડી ઉત્તમ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!