શ્રમિકોએ શાપરને માથે લીધુ

રાજકોટ નજીકની શાપર (વેરાવળ) ઔદ્યોગિક વસાહતમાંથી આજે યુપી અને બિહાર જવા માંગતા અંદાજે ૪૫૦૦ શ્રમિકોની ત્રણમાંથી બે ટ્રેનની તારીખ બદલાતા ટ્રેનો કેન્સલ થયાની અફવા ફેલાઈ જતાં ઉશ્કેરાયેલા શ્રમિકો હાઈ-વે પર ઉતરી પડયા હતા. અને ચક્કાજામ કરી ત્યાંથી પસાર થતાં વાહનોનાં કાચ ફોડયાની સાથો-સાથ અંધાધુંધ પત્થરમારો શરૂ કરી દેતાં તનાવ વ્યાપી ગયો હતો. રોષે ભરાયેલા શ્રમિકોએ એક ચેનલનાં પત્રકાર પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. પત્થરમારામાં ખુદ એસપી બલરામ મીણા અને ચાર પોલીસમેનો પણ ઘવાયા હતા. લગભગ અડધા કલાક સુધી પોલીસ ફોર્સે મહેનત કરી તોફાને ચડેલા શ્રમિકોને વિખેરી નાખ્યા હતા.