અરવલ્લીના આદિજાતિના લોકો માટે મનરેગા બન્યુ આશીર્વાદ

સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધવાને લીધે શહેરમાંથી લોકો સ્થળાંતર કરીને ગામડાઓમાં આવી ગયા, ગામડામાં આવ્યા બાદ છૂટી ગયેલી રોજગારી અને આર્થિક ઉપાર્જન માટે ગામડામાં ચાલતા મનરેગાના કામો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. એવા અરવલ્લી જિલ્લામાં પણ મનરેગા અંતર્ગત હાથ ધરાયેલા જળ સંચયના તળાવ ઉંડા કરવા, ચેકડેમ નિર્માણ કે રોડ સાઇડના કામો થકી જિલ્લાના લોકોને આર્થિક ઉપાર્જન થઇ રહ્યુ છે.
જિલ્લામાં ચાલતા મનરેગાના કામની વિગત આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોનાના કારણે ગ્રામ્યમાં સ્થળાતંર કરીને આવેલા લોકો તેમજ સ્થાનિક આદિજાતિના લોકો માટે રોજગારીનો પ્રશ્ન હતો ત્યારે જળ સંચય અંતર્ગત જિલ્લામાં ૫૯૬ કામો હાથ ધરવામાં આવ્યા છે. જેના થકી ૨૫,૪૫૦ પરીવારોના ૩૩,૪૮૫ લોકોને રોજગારી મળી રહી છે. જેના થકી ૪,૦૩,૭૮૦ માનવદિન રોજગારીનું નિર્માણ થશે. આ શ્રમિકોને કપરા સમયે નાણાની જરૂરીયાત હોય જેને લઇ લોકોના ખાતામાં અત્યાર સુધી રૂ. ૬૪૪ લાખનું ચુકવણુ કરવામાં આવ્યું છે.
જોકે અરવલ્લી જિલ્લાની વિશેષતાની વાત કરતા ઉમેર્યુ હતું કે, જિલ્લાના આદિજાતિ એવા ભિલોડા તાલુકામાં ૪૩,૦૭૧ લોકોને જયારે મેઘરજ તાલુકામાં ૬૮,૬૯૨ લોકો પૈકી ૩૨૬ દિવ્યાંગાને મનરેગા થકી રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. જિલ્લામાં હાલ બાયડના ૧૫૯૨, ભિલોડાના ૪૬૮૭, ધનસુરાના ૧૧૯૦, માલપુરના ૨૯૯૪, મેઘરજના ૧૨,૪૫૮ અને મોડાસા તાલુકાના ૨૫૨૯ મળી કુલ ૨૫૪૫૦ પરીવારોને રોજગારીનો ઘર આંગણે અવસર મળી રહ્યો છે.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)