પરેશ ધાનાણીની ચીમકી, 48 કલાકમાં અમરેલીને કોરોના ટેસ્ટની લેબ નહી ફળવાય તો કરશે ધરણા

અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન પોઝિટિવ કેસનો વધારો થઈ રહ્યો છે, ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલી સીવીલ હોસ્પીટલની મુલાકાત લીધી હતી અને અમરેલી ખાતે કોરોના ટેસ્ટની લેબોરેટરી ફાળવવાની સરકાર પાસે માંગણી કરી હતી, તેઓેએ જણાવ્યુ હતુ કે શંકાસ્પદ લોકોના લેવાતા સેમ્પલ લેબોરેટરી માટે ભાવનગર મોકલવામાં આવે છે ત્યારે તે દર્દીનો રિપોર્ટ આવતા ૨૪ કલાક જેટલો સમય વીતી જાય છે જેના કારણે શંકાસ્પદ વ્યક્તિઓને એક સાથે જ રખાતા હોવાથી નેગેટીવ હોય તે વ્યક્તિને પણ ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.
સાથે સાથે તેમણે એ પણ જણાવ્યુ હતુ કે હાલ સુરત જેવા શહેરોમાંથી મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે જે અમરેલી સીવીલ ખાતે તપાસ કરાવી લક્ષણ જણાતા સારવાર માટે દાખલ થાય છે ત્યારે હજુ અમરેલીને બેડ ફાળવવામાં આવે તેવી માંગ વિપક્ષ નેતા ધાનાણી એ કરી હતી. ઉલ્લેખનીય છે કે એક સમયે અભેદ કિલ્લો ગણાતા અમરેલીમાં આજે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૦ ઉપર જતી રહી છે ત્યારે રોજે શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે તેથી જો ૪૮ કલાકમાં અમરેલી ખાતે કોરોના ટેસ્ટ માટેની લેબોરેટરી ફાળવવામાં નહી આવે તો વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.