કોરોનાનો દૈત્ય બેલગામ બન્યો જામનગરમાં વધુ ૫૫ પોઝિટિવ
- શહેરમાં એક દિવસમાં કોરોનાના ફિફ્ટીથી મચી દોડધામ
- લાલપુર અને જામજોધપુર સહિત ગ્રામ્ય પંથકમાં ૧૩ સંક્રમિત
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે જેમાં માત્ર શહેરના જ જુદા જુદા વિસ્તારમાંથી એક દિવસમાં જ વધુ ૫૫ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે દરેડ, કનસુમરા અને લાલપુર-જામજોધપુર પંથકમાં પણ વધુ તેર દર્દીઓ સંક્રમિત જાહેર થયા હતા. એક જ દિવસમાં જામનગર પંથકમાં ઘેરી વળેલા કોરાનાનો આંક ૬૮ પર પહોંચ્યો હતો. જામનગર શહેરમાં કોરોનાનો વ્યાપ ભયજનક રીતે વધી રહ્યો છે જેમાં શુક્રવારે ૪૧ કેસો સામે આવ્યા હતા ત્યારે શનિવારે કોરોના અવિરત મહેર વરસાવતા બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જ વધુ ૫૫ કેસો નોંધાયા હતા. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ પહોંચી ગયો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
બીજી બાજુ તમામ દર્દીઓને સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે જેમાં લાલપુર મોટી રાફુદળમાં ૨૪ વર્ષીય યુવતિ, કાનાલુસમાં સીતેર વર્ષીય વૃધ્ધા, લાલપુરમાં ૧૭ વર્ષીય પુરુષ, અપીયામાં ૫૦ વર્ષિય પુરૂષ, જયારે જામજોધપુરમાં ૩૮ વર્ષીય મહિલા, ગીંગણીમાં ૩૨ વર્ષીય પુરુષ, જામજોધપુરમાં ૫૬ વર્ષીય પુરુષ, ગીંગણીમાં ૩૦ વર્ષીય મહિલા, દરેડમાં ૨૬ વર્ષીય પુરુષો, જોડીયામાં ૭૨ વર્ષીય પુરુષ, ઇશ્વરીયાના ૩૬ વર્ષીય પુરુષ અને કનસુમરામાં ૪૩ વર્ષીય મહિલા સંક્રમિત હોવાનું સામે આવ્યુ છે.
દ્વારકા જિલ્લામાં વધુ 6 પોઝિટિવ
ખંભાળિયાના નારાયણનગરમાં રહેતા ૫૮ વર્ષીય મુકુન્દરાય ત્રયંબ્કલાલ શાસ્ત્રી તથા મીનાબેન મુકુન્દરાય શાસ્ત્રી (ઉ.વ.૫૬)નો રિપોર્ટ ગતરાત્રે પોઝિટિવ આવ્યા છે. આ દંપતી તા.૩ઓગસ્ટના રોજ રાજકોટ ગયું હતું. દ્વારકામાં કુંભાર પાડામાં રહેતાં ૬૫ વર્ષીય રસીકલાલ ઠાકરની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં પોઝિટિવ આવ્યા છે. દ્વારકાના ઘનશ્યામ નગરમાં રહેતી દક્ષાબેન અરવિંદભાઈ ભટ્ટ (ઉ.વ.૬૨), વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત થયા છે. આ ચારેય દર્દીઓને હાલ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
– રોહિત મેરાણી (જામનગર)