ડૉ. વિપુલ પટેલ MBBS કૌભાંડ : મર્યાદાથી વધુ બિલ આવતા કૌભાંડ પકડાયું

- કોરોનાના દર્દીને 12 ખાનગી હોસ્પિટલોમાં મોકલી દોઢથી પોણા બે લાખનું બિલ પોતે ભરી ડૉક્ટરે 19 લાખ પડાવ્યાએક દંપતીના યુકેમાં રહેતા પુત્રે બિલ મળ્યા પછી નવરંગપુરા પોલીસને અને આહનાએ પોલીસ કમિશનરને ફરિયાદ કરીએસોસિએશને ડૉ. વિપુલ પટેલે મોકલેલા દર્દી નહીં સ્વીકારવા હોસ્પિટલોને પત્ર લખ્યો
અમદાવાદ : કોરોનાના દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં મોકલી દર્દીની સારવારનું બિલ ભરીને દર્દીના સગા પાસેથી લાખો પડાવનારા ડો. વિપુલ શાંતિલાલ પટેલ સામે હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન(આહના)એ તેની સાથે સંકળાયેલી હોસ્પિટલોને ડો. વિપુલ શાંતિલાલ પટેલ કોઇ દર્દીને દાખલ કરવા મોકલે તો તેમની ભલામણ નહીં સ્વિકારવાની તાકીદ કરી છે. એસોસિએશને ડૉક્ટર સામે પગલા લેવા પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. કોઈ ડૉક્ટર એસોસિએશને ડૉક્ટર સામે પગલા ભરવા પોલીસ કાર્યવાહી કર્યાની આ પ્રથમ ઘટના છે. જોકે ડૉ.વિપુલ પટેલે કહ્યું, તેઓ પૈસા પાછા માગતા હોવાથી અને દર્દીના સગાએ નાણા ન આપવા હોવાથી આ આક્ષેપ કર્યો છે.
ડૉ. વિપુલ પટેલે પોતે ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ હોવાનું જણાવી શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓને મોકલતા હતા દર્દીને મોકલતી વખતે ડૉક્ટર વિપુલ પટેલ એમ કહેતા હતા કે દર્દી તેમના ઓળખીતા છે અને તેમની સારવારનું જે બિલ થશે તે પોતે ભરી દેશે. દર્દીને રજા આપવામાં આવે ત્યારે ડૉ. વિપુલ પટેલ બિલ પણ ભરી દેતા હતા જોકે તેઓ દર્દીના સગાને મિશન એન્ટરપ્રાઇઝ નામ હેઠળ તોતિંગ બિલ પકડાવતા હતા દર્દીએ ભરેલી રકમ કરતા ઘણી મોટી રકમ તેઓ દર્દીના સગા પાસેથી પડાવતા હતા.
જગદીપ શાહ અને હર્ષિદા શાહ નામના દંપતીને પુષ્ય હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દોઢથી પોણા બે લાખના બિલ સામે 19 લાખ પડાવ્યા હતા યુકેમાં રહેતા તેમના પુત્રના ધ્યાને આ વાત આવતા તેમણે નવરંગપુરા પોલીસને ફરિયાદ કરવાની સાથે આહનાને જાણ કરતા ડૉક્ટરની મોડસ ઓપરેન્ડી પકડાઈ હતી. એસોસિએશને કરેલી તપાસમાં આક્ષેપોમાં તથ્ય દેખાતા એસોસિએશને પોલીસ કમિશનરને લેખિતમાં જાણ કરી કાર્યવાહીની માગ કરી છે. દરમિયાન ડૉ.વિપુલ પટેલ આનંદનગર રોડ પર આવેલા સ્તવન અલ્તેઝામાં ક્લિનિક ધરાવતા હોવાનું ખૂલ્યું છે. તેમણે સાલ, મેડીલિંક, પુષ્ય જેવી 12 હોસ્પિટલમાં દર્દી મોકલ્યા હતા.
સરકારી મર્યાદાથી વધુ બિલ આવતા કૌભાંડ પકડાયું
પુષ્ય હોસ્પિટલમાં જગદીપ શાહ, હર્ષિદા શાહને ડો. વિપુલ શાહે 22થી 25 જુલાઈએ દાખલ કરી કોરોનાની સારવાર કરાવી દોઢથી પોણા બે લાખનું બિલ જાતે ભરી દીધું હતું પણ દર્દીના સગા પાસેથી 19 લાખ વસૂલ્યા હતા. દંપતીના યુકેમાં રહેતા પુત્રે સરકારી મર્યાદાથી વધુ બિલ હોવાથી સમગ્ર મુદ્દો ઉઠાવ્યો હતો.
MD હોવાની ઓળખ પણ રજિસ્ટ્રેશન MBBSનું હતું
આહનાની તપાસમાં વાત સાચી લાગતા હોસ્પિટલોને ડો.વિપુલ પટેલ જે દર્દીને મોકલે તેમને દાખલ ન કરવા સૂચના અપાઈ છે. ડૉક્ટર વિપુલ પટેલ પોતાને એમડી, ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ગણાવતો હતો પરંતુ તેમનું રજિસ્ટ્રેશન ચેક કરતા ડૉ. વિપુલ પટેલ માત્ર એમબીબીએસ હોવાની ખબર પડી હતી.
દર્દીના સગાએ પૈસા આપવા નથી તેથી ખોટો આક્ષેપ કર્યો
ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. વિપુલ પટેલના જણાવ્યા અનુસાર દર્દી મારા ઓળખીતા હતા જેથી મંખ સારવારનું બિલ મારા કાર્ડથી ભર્યું છે. હું પૈસા પાછા માંગી રહ્યો છું અને દર્દીના સગાએ નાણા આપવા નથી તેનો વિવાદ છે સગા પાસે વધારાના પૈસા માંગ્યા નથી મારી સામેના આક્ષેપ ખોટા છે મને બ્લેકમેલ કરવાની વાત છે.