કિસાન સંઘના નેતાઓને સી. આર. પાટીલ ગળે મળતાં આશ્ચર્ય

અમદાવાદ : ગુજરાતમાં રહેલી ભાજપ સરકારે જેને ક્યારના કોરાણે મૂકી દીધા છે એવાં કિસાન સંઘના નેતાઓને અચાનક ભાજપના નવા વરાયેલા પ્રમુખ સી.આર.પાટીલ ગળે મળીને ભેટ્યા હતા પાટીલ ગાંધીનગરમાં કિસાન સંઘના કાર્યાલય બલરામ ભવન ગયા અને ત્યા હાજર સંઘના વરિષ્ઠ કર્મી જીવણભાઇ પટેલ અને અન્ય લોકોને ભેટ્યા અને તેમના આશીર્વાદ લીધા હતા.
કિસાન સંઘના નેતાઓની સાથેની નવ નિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથેની આ મુલાકાતથી ભાજપમાં અંદરો અંદર ગુસપુસ ચાલુ થઇ ગઇ છે. રાજ્ય સરકાર માત્ર ત્યારે જ કિસાન સંઘને યાદ કરતી હોય છે જ્યારે ગુસ્સે થયેલા ખેડૂતોને સમજાવવાના હોય બાકી સંઘે સૂચવેલાં ઘણા મુદ્દાઓને રાજ્ય સરકાર દ્વારા હાંસિયામાં ધકેલી દેવાતા હતા જોકે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ મુલાકાતથી ઘણા બધા લોકોને આંચકો આપ્યો છે.
ભાજપના સંઘ અને ખેડૂતો સાથે જોડાયેલા એક નેતાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે પાટીલની આ મુલાકાતથી આશ્ચર્ય સર્જાયું છે. આ બાબત સીધો સંકેત આપે છે કે પાટીલ સંઘ, તેની ભગિની સંસ્થાઓ અને ખાસ તો ખેડૂતો માટે કામ કરતી સંસ્થાઓને સારું એવું મહત્ત્વ આપી રહ્યા છે. અને આ રીતે તેઓ ભાજપના અન્ય નેતાઓ કરતા વધુ ઝડપથી ભાજપની અને સંઘની કેડર્સમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરવા ભણી છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર પાટીલ અન્ય લોકોની સલાહ લેવાને બદલે પોતાની રીતે જ પોતાના કાર્યક્રમો અને મુલાકાતો નક્કી કરે છે. જોકે આ કામમાં પક્ષના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા તેમને મદદરૂપ થાય છે. ગોરધન ઝડફિયા અગાઉ ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી પણ રહી ચૂક્યા છે. તો આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સી.આર.પાટીલ, કૃષિમંત્રી આર સી ફળદુ, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ ગુજરાતના કિસાન મોરચાના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી રાજ્ય સરકારની કિસાન સહાય યોજના અંગે ચર્ચા કરી હતી.