આજે ખેડૂત નેતાઓ અનશન કરશે

નવી દિલ્હી : નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત નેતાઓ આજે સિંઘુ સરહદે અનશન કરશે. કૃષિ આંદોલનને મામલે કેન્દ્ર સરકારે અપનાવેલા વલણ અંગે નારાજગી વ્યક્ત કરતા ખેડૂતોના નેતા શિવકુમાર કક્કાએ કહ્યું હતું કે સરકારી એજન્સીઓ ખેડૂતોને દિલ્હી સુધી પહોંચતા અટકાવી રહી છે, પરંતુ જ્યાં સુધી અમારી માગણી પૂરી કરવામાં નહિ આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અમારું વલણ સ્પષ્ટ છે એમ જણાવતાં કક્કાએ કહ્યું હતું કે નવા ત્રણ કૃષિ કાયદા રદ કરવામાં આવે એવી અમારી ઈચ્છા અને માગણી છે. આંદોલનમાં ભાગ લઈ રહેલા તમામ ખેડૂત સંગઠનો એકજૂટ છે, એમ તેમણે કહ્યું હતું. અગાઉ ૧૯ ડિસેમ્બરથી અચોક્કસ મુદતની ભૂખહડતાળની કરવામાં આવેલી જાહેરાત રદ કરવામાં આવી છે એમ જણાવતાં ખેડૂતોના અન્ય એક નેતા સંદીપ ગીડ્ડુએ કહ્યું હતું કે તેને બદલે આજે એક દિવસની ભૂખહડતાળ કરવામાં આવશે.
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનને વિખેરી નાખવા સરકાર કાવતરું ઘડી રહી છે એવો આક્ષેપ ખેડૂતોના નેતા ગુરનામ સિંહ ચાદુનીએ કર્યો હતો. દરમિયાન, ભાજપશાસિત નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી છે અને એ મામલે સીબીઆઈ તપાસ યોજવામાં આવે એવી આમઆદમી પાર્ટી દ્વારા માગણી કરવામાં આવ્યાના એક દિવસ બાદ ગૃહ પ્રધાન અમિત શાહના દિલ્હીસ્થિત નિવાસસ્થાનની બહાર વિરોધપ્રદર્શન કરવા જઈ રહેલા રાઘવ ચઢ્ઢા સહિત આમઆદમી પાર્ટીના ચાર ધારાસભ્યને રવિવારે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ખેડૂતોના આંદોલનના ટેકામાં તેઓ એક દિવસનો ઉપવાસ કરશે એમ જણાવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ‘આપ’ના કાર્યકતાઓને ભૂખ હડતાળમાં જોડાવાની અપીલ કરી હતી. કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોની તમામ માગણી સરકારે સ્વીકારી લેવી જોઈએ અને એમએસપી ગૅરેન્ટી ખરડો લાવવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું. સરકારે ઘમંડ ત્યજી દઈ નવા કૃષિ કાયદા રદ કરવા સહિતની ખેડૂતોની તમામ માગણીઓ સ્વીકારી લેવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.