કડી ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાણવાયુની ઉણપ, દર્દીઓને દાખલ કરવા પર 48 કલાકની રોક લગાવાઈ

- 5 લાખ લીટરનો હૉસ્પીટલમાં પ્લાન્ટ ચાલુ
- 48 કલાક સુધી હોસ્પિટલમાં કોવિડ-19 એડમિશન બંધ
- ભાગ્યોદય હોસ્પિટલમાં હાલ 151 કોવિડના દર્દીઓ એડમીટ
- હોસ્પિટલે પત્ર જાહેર કરી દર્દીઓને એડમિટ થવા પર રોક લગાવી
- ભાગ્યોદય હોસ્પિટલને ચોવીસ કલાકમાં 19 લાખ લિટર પ્રાણવાયુની જરુર
મહેસાણા જિલ્લામાં હાલમાં કોરોનાને લઈને તમામ લોકોની હાલત કફોડી બની ચુકી છે. જિલ્લામાં દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલોમાં હવે તો ઓક્સિજન પણ ખૂટી પડ્યો છે. જેના કારણે મહેસાણા જિલ્લામાં ઓક્સિજન માટે હોસ્પિટલના સંચાલકો હાથ ઉપર કરતા જોવા મળી રહ્યાં છે. કડીની ભાગોદય હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપ સર્જાતા દર્દીઓને દાખલ કરવા પર રોક લગાવાઈ છે. મહેસાણા જિલ્લાના કડીમાં આવેલી ભાગ્યોદ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. પરંતુ મહેસાણા જિલ્લામાં અને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા હોસ્પિટલમાં દ્વારા 48 કલાક સુધી કોવિડ 19 એડમિશન બંધ કરી દેવામાં આવ્યું છે.
સાંજે 7 વાગ્યા બાદ હોસ્પિટલમાં દર્દીના સગાઓને આવવા મનાઈ
કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા હોસ્પિટલ તરફથી લેટર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાગ્યોદય હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા 48 કલાક સુધી હોસ્પિટલમાં કોવિડ 19 એડમિશન બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ જે દર્દીનું ઓક્સિજન લેવલ 80થી નીચું હશે તેવા દર્દીને ભાગ્યોદય હોસ્પિટલ દાખલ નહિ કરે તેવો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને સાંજે 7 વાગ્યા બાદ હોસ્પિટલ કૅમ્પસમાં દર્દીના સગાઓને હોસ્પિટલમાં આવવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે.