જી.જી.હોસ્પિટલને ઓક્સિજન સપ્લાય માટે રોજ યુદ્ધ લડવું પડે છે, રોજની જરૂરિયાત પુરી કરતા તંત્રને પરસેવો વળી જાય છે

- દૈનિક 52 ટનની જરૂરિયાતને પહોંચી વળવા હોસ્પિટલ અને કલેક્ટર તંત્ર ઉંધા માથે
જામનગરમાં સ્થિત સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જી.જી.માં ઓક્સિજન સપ્લાય માટે તંત્ર અને હોસ્પિટલના વહીવટી તંત્રને દિવસ-રાત એક કરવો પડે છે. દરરોજ કટોકટી સર્જાય તેવી સ્થિતિ વચ્ચે પણ 52 ટન ઓક્સિજનની સપ્લાય પૂરી પાડવામાં આવી રહી છે જે હાલના સંજોગોમાં ભારે કપરી કામગીરી સાબિત થઈ રહી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ કોરોનાની સારવાર માટે ઉમટી પડ્યા છે ત્યારે પ્રથમ વખત એવું બન્યું છે કે, જામનગરની જી.જી. હોસ્પિટલ ફુલ થઈ ગઈ છે અને દર્દીઓ વેઈટિંગમાં છે. આવા સંજોગોમાં કોરોનાની સારવાર માટે જે અત્યંત જરૂરી છે તે ઓક્સિજન પૂરું પાડવું હોસ્પિટલ માટે રોજ યુદ્ધ સમાન બની રહ્યું છે.
હજુ મહિના દિવસ પહેલા જે ઓક્સિજનની જરૂરિયાત જી.જી.હોસ્પિટલમાં 3 હજાર લીટરની હતી તે હવે 52 હજાર લીટરે પહોંચી ગઈ છે જેને દરરોજ પૂરું કરતા તંત્રને પરસેવો વળી જાય છે. હાલ કલેક્ટર તંત્ર અને હોસ્પિટલ તંત્ર દ્વારા સતત ઓક્સિજનની માંગ અને જરૂરિયાતને ધ્યાને રાખી ઓક્સિજનનો જથ્થો મંગાવવામાં આવે છે, પરંતુ તે જો સમયસર ન આવે તો તમામના શ્વાસ અદ્ધર થઈ જાય છે. હાલ કટોકટીના સમયમાં ઓક્સિજન મળી રહે છે પરંતુ દરરોજ મળી રહે છે તે મોટી વાત છે. હવે ઓક્સિજનની વધુ જરૂરિયાત થાય તેવી કોઈ શક્યતા નહીંવત હોવા છતાં પણ તંત્ર ઓક્સિજનની માંગને પહોંચી વળવા પોતાનું તમામ જોર લગાડી રહ્યું છે.
OSDએ પત્ર લખ્યો | ઓક્સિજનનો બગાડ અટકાવ
જામનગરની જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને ગત તા.13-4ના રોજ ડેપ્યુટી કલેક્ટર અને ઓએસડી વિકાસકુમાર ઉપાધ્યાયે એક કાગળ લખી હોસ્પિટલમાં કોઈપણ ઓક્સિજન વેસ્ટ ન થાય તે ધ્યાન રાખવા ખાસ તાકીદ કરી હોસ્પિટલ સહિતના સત્તાવાળાઓને ઓક્સિજનનો બગાડ રોકવા ચેતવણી આપી હતી.
– રોહિત મેરાણી (જામનગર)