તળાજા માર્કેટમાં ૮૦૦ ના ભાવની મણ કેરી ૮૦ રૂપિયાના ભાવે વેચાઇ
ભાવનગર: તળાજા માર્કેટમાં ૮૦૦ની મણ કેરી ૮૦માં વેચાઇ
ભાવનગર: કેરી, કેળા અને કાંદા આ ત્રણેયના વેપારી માંદા. આ કહેવત કુદરતે વાવાઝોડા સ્વરૂપે ફેલાવેલા પ્રકોપને લઈ સાચી ઠરી રહી છે. સાત દિવસ પહેલા તળાજા કેરીના પીઠમાં જ્યાં હરાજી થાય છે ત્યાં એક મણ કેરીનો ભાવ રૂપિયા ૮૦૦ થી ૨૦૦૦ મણનો હતો
એજ કેરી આજે રૂપિયા ૮૦ થી ૨૦૦ ની મણે વેચાઇ રહી છે. જેને લઈ ખેડૂત, આંબાનો ઇજારો રાખનાર ઇજારેદાર, ઇજારેદારને રૂપિયા આપનાર દલાલને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.તળાજા માર્કેટમાં ફ્રૂટની હરાજી થાય છે ત્યાં કેરીઓ પગ નીચે કચરાઈ રહી છે.
તો બીજી તરફ ભેળસેળ કરી કેરીનો રસ,અથાણું હોલસેલમાં વેંચતા તત્ત્વો ને કરોડો રૂપિયા કમાઈ લેવાનો મોકો મળી ગયો છે.હોલસેલનો વેપાર કરતા વેપારીઓ જેની પાસે રૂપિયા અને માલ સંગ્રહ કરવાની શક્તિ છે તેવા તળાજા સહિત જિલ્લાના વેપારીઓ ખટારા ભરીને વરસાદી વાવાઝોડામાં પલળેલી,પોચીપડી ગયેલ, ચાંદીયાવાળી કેરી ખરીદવાની શરૂ કરી છે.