ડભોઇ – કેવડીયાને જોડતા હાઈવે ઉપર નર્મદા કોલોની સામે મારુતિ ચાલકે બે વ્યક્તિઓને હડફેટે લીધા

આજરોજ ડભોઇ થી કેવડીયાને જોડતા હાઈવે માર્ગ ઉપર સાંજના ૬:૩૦ કલાકની આસપાસ નર્મદા કોલોની સામે એક મારુતિ અલ્ટોના ચાલકે એક મહિલા અને તેની દીકરીને કારની હડફેટે લીધા હતા. જેમાં મહિલા અને દીકરી બંને નો આબાદ બચાવ થયો હતો.પરંતુ બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મારુતિ અલ્ટો ગાડી રોડ ઉપર ઉંધી વળી ગઇ હતી. પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી.
વડોદરા ખાતે નોકરી કરતાં યોગેશભાઈ રમેશભાઈ બારીયા પોતાની નોકરી પૂરી કરી પોતાની મારુતિ અલ્ટો જી.જે.૦૬ -કે.ડી ૪૩૨૮ લઈને પોતાના ગામ ચનવાડા જઈ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ પોતાની કારને પુરઝડપે હંકારી રહ્યા હતા તે સમય દરમિયાન ડભોઇ નર્મદા કોલોની પાસે રોડ ઉપરથી પસાર થતાં એક મહિલા અને તેની દીકરીને આ મારુતિ ચાલકે અડફેટમાં લીધા હતા.જેથી બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી .તેમજ લોકટોળા ઉમટી પડ્યા હતા. સદર મારુતિ અલ્ટો ગાડી રોડ ઉપર ઊધી વળી ગઈ હતી. જેના કારણે આ ગાડી ચાલકને મહામુસીબતે ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .સમગ્ર ઘટનાની જાણ ડભોઇ પોલીસને થતાં પોલીસના જવાનો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.