સુરત માં સંકલન બેઠકમાં કોર્પોરેટરોને ફરિયાદ બાદ ડ્રેનેજની કામગીરી તથા રોડની કામગીરી યોગ્ય ન થતાં સ્થાનિકોનો વિરોધ

સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનનો સંકલન બેઠકમાં ડ્રેનેજની કામગીરી બાદ રોડની કામગીરી ન થઈ હોવાની વ્યાપક ફરિયાદ કોર્પોરેટરોએ કરી હતી. ગઈકાલની સંકલન બેઠકમાં આ ફરિયાદ બાદ આજે સ્થાનિક લોકો અને વેપારીઓએ મહાનગરપાલિકાની નબળી કામગીરીનો કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો. વારંવારની રજૂઆત બાદ પણ યોગ્ય કામગીરી ન થતાં લોકોએ હમણાં આંદોલન કરવાની ચીમકી આપી છે.
મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં થોડા સમય પહેલા ડ્રેનેજ અને પાણીની લાઈનની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી બાદ રોડની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા સમગ્ર વિસ્તારના લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. ગઈકાલની સંકલન બેઠકમાં સેન્ટ્રલ ઝોનના કોર્પોરેટરોએ સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજની કામગીરી પૂરી થયા બાદ રોડની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.ત્યાર બાદ આજે સવારે ચોક બજાર સોની ફળિયાથી પાણીની ભીત સુધીના વેપારીઓ અને સ્થાનિકોએ રોડની કામગીરી યોગ્ય રીતે થઇ ન હોવાનું જણાવી કાળી પટ્ટી પહેરીને વિરોધ કર્યો હતો. લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે રોડની કામગીરી હલકી ગુણવત્તાની થયું છે તેને કારણે ભ્રષ્ટાચાર થયો છે. સ્થાનિક લોકો રોડની કામગીરી અંગે પાલિકા માં સંખ્યાબંધ ફરિયાદ કરી ચૂક્યાં છે છતાં પણ કોઈ નિકાલ આવતો નથી. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં તો તેની કામગીરી પૂરી થયા બાદ રોડની કામગીરી થઇ જ ન હોવાથી વેપારીઓના ધંધા રોજગાર પણ ભાંગી પડ્યા છે. સ્થાનિકોએ આક્રોશપૂર્ણ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી નબળા રોડ અંગે મહાનગરપાલિકામાં 150થી વધુ ફરિયાદ કરી છે. પરંતુ બે કિલોમીટરના વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની લાઇનની કામગીરી પૂરી થયા બાદ રસ્તા બનાવ્યા જ નથી. ચોમાસું માથે છે તે સમયે જો રસ્તાની કામગીરી યોગ્ય રીતે ન થાય તો લોકોની હાલાકી વધી શકે તેમ છે. વારંવારની રજૂઆત બાદ પણ પાલિકા તંત્ર જાગતું ન હોવાથી આખરે સ્થાનિકોએ કાળી પટ્ટી પહેરીને પ્રદર્શન કરવાની ફરજ પડી છે. નજીકના દિવસોમાં જો પાલિકા રોડની કામગીરી નહીં કરે તો સ્થાનિક વેપારીઓ અને લોકો પાલિકા સામે આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી છે.
રિપોર્ટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત