સુરત માં આધુનિક જમાનામાં જિમ અને ફિટનેસ સેન્ટરો વચ્ચે અસ્સલ જુના અખાડાઓએ પોતાનું મહત્વ સાચવી રાખ્યું

સમય સાથે ઘણી બધી વસ્તુઓમાં બદલાવ આવે છે પણ ઘણી વસ્તુઓ એવી પણ હોય છે જેનું મહત્વ સમય સાથે પણ ઘટતું નથી. અને આવું જ કઈંક દેશી અખાડાઓનું પણ છે. કોરોના સંક્રમણ ઘટતા સરકારે બાગ બગીચા, ગાર્ડન, રેસ્ટોરન્ટ તેમજ જિમ અને ફિટનેસ સેન્ટરોને ખોલવા પરવાનગી આપી દીધી છે. એક તરફ જ્યાં લોકો જિમ અને ફિટનેસ સેન્ટરોમાં જઇને કસરત કરી પોતાના શરીરની જાળવણી કરે છે ત્યાં જ બીજો વર્ગ એવો પણ જે આજે પણ દેશી અખડામાં જઈને કસરત કરે છે. ભલે અખાડાની સંખ્યા સુરતમાં ઘટી છે પંરતુ આધુનિકતામાં પણ આજે દેશી અખાડાનું મહત્વ યથાવત રહ્યું છે.
સ્વસ્થ જીવન માટે સ્વસ્થ શરીર તેટલું જ જરૂરી છે. એ હવે લોકો કોરોનાના સમયમાં શીખી ગયા છે. સુરત હાલ પણ આધુનિક અને એસી ધરાવતા જિમ કે ફિટનેસ સેન્ટર કરતા પણ અસ્સલ જુના અખાડા હજી પણ એટલા જ લોકપ્રિય છે. સુરતમાં પહેલા કરતા અખાડા ઘટ્યા છે. હવે 5 જેટલા જ અખાડા સુરતમાં છે. પરંતુ તેનું મહત્વ ઘણું છે. આવો જ એક અસ્સલ અને જૂનો અખાડો છે. 1853માં સુખાનંદ અખાડાની શરૂઆત સુખાનંદ મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ગોપીપુરામાં આવેલા આ અખાડામાં તે સમયે આજુબાજુના વિસ્તારમાંથી આવતા લોકોની તંદુરસ્તી માટે તેમને મફતમાં અંગ કસરત અને શરીર દાવની તાલીમ આપવામાં આવતી હતી. સુખાનંદ વ્યાયામ શાળાના મયુરભાઈ કહે છે કે જ્યારે શરૂઆત થઈ તેના પછીના સમયમાં લોકો જોડાતા જતા ફક્ત 3 રૂપિયાની ફી રાખવામાં આવી હતી. અને તે પછી 30 રૂપિયા અને 70 રૂપિયા ફી લેવાની શરૂઆત થઈ. આજે વાર્ષિક મેમ્બરશીપની ફી ફક્ત 750 રૂપિયા લેવામાં આવે છે.
જીમની સરખામણીમાં અહીં માર્બલ ફ્લોરિંગ નથી પરંતુ માટીમાં જ તમારે કસરત કરવી પડે છે. એસી કે પંખાની પણ વ્યવસ્થા નથી જેથી ફિટનેસ માટે પરસેવો નીકળી જાય છે.
સુખાનંદ અખાડા માંથી કબડ્ડી તથા બોડી બિલ્ડીંગ વેઇટ લીફટિંગ નેશનલ કોમ્પિટિશનમાં 17 છોકરા વિજેતા પણ રહી ચૂક્યા છે. આજે આ અખાડામાં 750 મેમ્બર્સ છે. દોઢ વર્ષ પછી જિમની સાથે આ અખાડો પણ શરૂ થયો છે. ત્યારે અસ્સલ કસરતો સાથે શરીરને ફિટ રાખતા યુવાનોએ પણ અહીં કસરતો શરૂ કરી દીધી છે. સૌથી જુના સાધનો સાથે અહીં દંડ બેઠક, મગદલ, મલખમ, લાઠી દાવ, ફટકા દાવ, લેઝીમ, પિરામિડ શીખવાડવામાં આવે છે.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત