વાણંદ શેરીમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
• દિગ્વીજય પ્લોટમાંથી ત્રણ લાખની કાર અને દારૂની બોટલો મળી કુલ રૂા.3.67 લાખનો મુદ્દામાલ કબ્જે
જામનગર શહેરના બેડીનાકા પાસે વાણંદ શેરીમાં રહેતાં શખ્સના રહેણાંક મકાનમાંથી એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન 240 બોટલ દારૂ ઝડપી લઇ શખ્સની શોધખોળ આરંભી હતી અને દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાંથી 168 બોટલ દારૂ અને કાર કબ્જે કરી બુટલેગરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના બેડીનાકા પાસેના વાણંદ શેરીમાં રહેતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની ધાના મોરી અને વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ ટીમે રેઇડ દરમિયાન હિતેશ ઉર્ફે હિતલો વાણંદ ડોલર મારૂ નામના શખ્સના મકાનમાં તલાશી લેતાં રૂા.96,000ની કિંમતની ઇંગ્લીશ દારૂની 240 બોટલો મળી આવતાં એલસીબીની ટીમે હિતેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 19માં આર.આર.મોલ નજીક એક કારમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના ફિરોજ દલ, રઘુવીરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન જીજે-03-સીઈ-8373 નંબરની સફેદ કલરની વર્ના કારની તલાસી લેતા તેમાંથી રૂા.67,200ની કિંમતની 168 બોટલ દારૂ મળી આવતા એલસીબીની ટીમે રૂા.3 લાખની કિંમતની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.3,67,200ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાર રજીસ્ટ્રેશનના આધારે બુટલેગરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)