જામનગરમાં યુવાનને સમાધાન માટે બોલાવી 7 શખસોએ ઢોર માર મારતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

જામનગરમાં યુવાનને સમાધાન માટે બોલાવી અભદ્ર શબ્દો બોલીને 7 શખસોએ હુમલો કરીને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે આરોપીઓએ યુવાનનો મોબાઈલ પણ લઈ લીધો હોવાનું બહાર આવ્યું હતું. જામનગર શહેરના મહેશ્વરીનગર ચોકમાં રહેતા 19 વર્ષીય મોહિત કાનજીભાઈ ચાવડા નામના યુવાનને અગાઉ થયેલા મનદુઃખમાં સમાધાન માટે બોલાવીને આરોપીઓ રાજપાર્ક સાંઈબાબાના મંદિર પાસે લઈ ગયા હતાં.
મંદિર પાસે લઈ જઈને આરોપીઓએ યુવાનને અપશબ્દો બોલ્યા હતા. તેમજ પ્લાસ્ટીકની પાઈપ અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ યુવાનને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી યુવાને 4 જાણીતા અને 3 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે કિશોર પરમાર, પરવેઝ, પારસ સુભાષભાઈ માજુસા, રામ મદ્રાસી અને ત્રણ અજાણ્યા શખ્સો મળીને કુલ સાત શખ્સો સામે ગુનો નોંધીને 2 ઈસમોની ધરપકડ કરી હતી.