કડી શહેરમાં ગાંધીચોક પોલીસ ચોકી અને એસ.ઓ.જી.ઓફિસ પાસેજ તસ્કરો ત્રાટક્યા

- સોના ચાંદી ની દુકાનમાંથી 2.7 કિલો ચાંદીના ઘરેણાં ચોરી ગયા
કડી શહેરમાં બુધવારની રાત્રિએ તસ્કરોએ અંધકાર તેમજ પોલીસના નબળા પેટ્રોલિંગ નો લાભ લઇ શહેરમાં બે જગ્યાએ હાથ ફેરો કર્યો હતો જેમાં ગાંધીચોક માં આવેલ શક્તિ કો ઓપરેટીવ ક્રેડિટ લિમિટેડ ના તાળાં તોડવાનો પ્રયાસ કર્યો હતો અને જૂની મામલતદાર કચેરી જોડે આવેલ હસનૈન નામની જવેલર્સ ની દુકાનના તાળાં તોડી આશરે 2 કિલોથી વધારે ના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ઉઠાવી ગયા હતા. કડી શહેર થોડા સમયથી ધીરે ધીરે ક્રાઇમ સિટી બનવા જઈ રહ્યું છે.સ્થાનિક પોલીસ ની નબળી કામગીરી ને લીધે ગુનેગારો માથું ઊંચકી પોલીસ ને પડકાર ફેંકી રહ્યા છે. કડી તાલુકામાં તસ્કરો વારે તહેવારે જનતાના ઘર તેમજ દુકાનોમાં હાથ સાફ કરી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસનો તસ્કરોને ઝડપી પાડવામાં પનો ટૂંકો પડતો હોવાનું હાલના સમયમાં દેખાયી રહ્યું છે.
કડી શહેરમાં બુધવારે મધ્યરાત્રિ બાદ તસ્કરોએ ગાંધીચોક થી 25 મીટર દૂર આવેલ શકિત કો.ઓપરેટીવ ક્રેડિટ લિમિટેડ નામની બેંક તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તેઓ સફળ થયા નહોતા તો બીજી બાજુ જૂની મામલતદાર કચેરી અને નવી બનાવવામાં આવેલ એસ.ઓ જી. ઓફિસ થી 50 મીટર દૂર આવેલ હસનૈન નામની જવેલર્સ ની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશી ચાંદીના ઘરેણાં જેમાં ચુનીના પેકેટ,શેરો,બંગડી ના નમુના અને બોક્સ સહિત કુલ 2કિલો 700 ગ્રામ ચાંદી ના દાગીના જેની કી.આશરે રૂ.1,95,000 અને સીસીટીવી કેમેરા નું ડીવીઆર પણ ચોરી ગયા હતા.ચોરીની ઘટનાની માહિતી મળતાં કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયી હતી અને સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
કડી શહેરમાં બુધવાર મધ્યરાત્રિએ તસ્કરોએ બે જગ્યાએ ખાતર પાડ્યું હતું જેમાં જૂની મામલતદાર કચેરી પાસે જવેલર્સ ની દુકાનમાં બે શખ્શો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયી ગયા હતા જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ મથકના પી.આઇ અને બે પી.એસ.આઇ.ની નાઈટ ડ્યુટી હોવા છતાં ચોરીઓ થતાં પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ
બુધવારની રાત્રે કડી શહેરમાં બે જગ્યાએ ચોરી ની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક જગ્યાએ તસ્કરો નીસ્ફળ રહ્યા જ્યારે બીજી જગ્યાએ લાખો રૂપિયાના મુદ્દામાલ ની ચોરી કરી હતી પરંતુ ચોરીની ઘટના ની રાત્રિએ ફરજ ઉપર કડી પોલીસ મથકના પી.આઇ.અને બે પી.એસ.આઇ હોવા છતાં શહેરમાં બે જગ્યાએ ચોરીની ઘટના બનતા પોલીસના નાઈટ પેટ્રોલીંગ ની કામગીરી ઉપર પ્રશ્નો ખડા થયેલા જોવા મળી રહ્યા છે.