સુરતમાં સ્પાનાં નામે ચાલતાં આડા ધંધા પર પોલીસનો દરોડો

સુરતમાં ફરી એક વખત સ્પાની આડમાં ધમધમતાં કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. અડાજણ વિસ્તારમાં આવેલા એકવા કોરીડોર કોમ્પ્લેક્સમાં પોલીસે દરોડો પાડી મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે. જયારે અહીથી ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવી હતીસુરતમાં ભૂતકાળમાં અનેક વખત સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. ત્યારે વધુ એક વખત સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દોરોડો પાડ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકીગ યુનિટને બાતમી મળી હતી કે અડાજણ સ્ટારબજારની બાજુમાં આવેલા એકવા કોરીડોર કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલા કલાઉડ-9 સ્પા/મસાજ પાર્લરની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. પોલીસે અહીથી દુકાનના ભાગીદાર માલિક અને કતારગામ ખાતે રહેતા હિનલબેન પરમાર તેમજ સચિન ખાતે રહેતાં સંચાલક નારાયણ સિંગ રાજેશ શ્રીનાથ પાલની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં અહીથી 14 હજારના મોબાઈલ તેમજ રોકડા રૂપિયા 2,460 મળી કુલ 16,460નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે અહીંથી 4 મહિલાઓને મુક્ત કરાવી હતી. આ ઉપરાંત અંકલેશ્વર ખાતે રહેતી ભાગીદાર સલમા શેખને પોલીસે વોન્ટેડ જાહેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરતમાં સ્પાની આડમાં ચાલતાં અનેક કુટણખાનાઓ પકડી પાડવામાં આવ્યા છે. અને ગેરકાયદેસર કૃત્ય કરનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. કાર્યવાહી છતાં કુટણખાનાઓ ચાલુ જ છે. આ જોતાં એવું લાગે છે કે, પોલીસ તંત્રએ કુટણખાનાં ચલાવનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
રિપોર્ટ : સુનિલ ગાંજાવાલા
સુરત