પ્રાકૃતિક ખેતી અંગે દેશના ધરતીપુત્રોને માર્ગદર્શન આપતી ત્રિ-દિવસીય રાષ્ટ્રીય પરિષદ

પ્રાકૃતિક ખેતી અંગે દેશના ધરતીપુત્રોને માર્ગદર્શન આપતી ત્રિ-દિવસીય રાષ્ટ્રીય પરિષદ
Spread the love

પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીના ધ્યેયને સમર્પિત રાષ્ટ્રીય પરિષદના આણંદ ખાતેથી જીવંત પ્રસારણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભાવનગરના અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે યોજાયો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે સમગ્ર દેશનું માર્ગદર્શન કર્યુ
કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની વિશેષ ઉપસ્થિતિ
ખેડૂતોની આવક બમણી કરવાના ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, ત્યારે તેને વાસ્તવમાં સાકાર કરવાં માટે ખેડૂતો વિવિધ કૃષિ પદ્ધતિઓ અને સંશોધનોના ઉપયોગ દ્વારા પોતાની કૃષિ આવકમાં વધારો કરી શકે તે માટે રાષ્ટ્રીય કક્ષાની પરિષદ ગુજરાતના આણંદ ખાતે યોજાઈ હતી.

તે અંતર્ગત ભાવનગરના મોતી બાગ ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે અને જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પરિષદના સમાપનના ત્રીજા દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે સમગ્ર દેશનું માર્ગદર્શન કર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ આ અવસરે જણાવ્યું કે, આ પરિષદ દેશના ખેડૂતોનો કાયાકલ્પ કરવામાં આ પરિષદ મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાતમાં થયેલા કૃષિ પ્રયોગો દેશનું દિશાદર્શન કરશે.

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિના જે પ્રયોગો કર્યા છે તેનો લાભ સમગ્ર દેશના ખેડૂતોને મળશે. વડાપ્રધાનશ્રીએ રાજ્યપાલશ્રીના આ પ્રયત્નો માટે રાજ્યપાલશ્રીને અભિનંદન આપ્યાં હતાં.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, નવા પડકારો સામે સુસજ્જ થઈ બીજ થી બજાર સુધી નવા ઢાંચામાં ઢળવાનો આ સમય છે. પી.એમ. સન્માન નીધિ, સિંચાઈ, બીજ ઉત્પાદન, કૃષિ પેદાશના સંગ્રહ ડેપો વગેરેની દેશમાં વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

તદુપરાંત પશુપાલન, મધુમક્ષિકાપાલન, મચ્છીપાલન જેવાં વૈકલ્પિક વ્યવસાયો દ્વારા પણ કૃષિકારોની આવક વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

તેમણે જણાવ્યું કે, કૃષિને ‘પ્રકૃતિની પ્રયોગશાળા’ સાથે જોડવાની જરૂરીયાત છે. તેમણે જણાવ્યું કે, ‘બેક ટૂ બેઝિક’ એટલે કે, પોતાના મૂળ સાથે ફરીથી જોડાવાની આજે જરૂર છે. જે રીતે છોડનાં મૂળને પોષણ આપવામાં આવે તો તેની વૃદ્ધિ થાય છે તે જ રીતે કૃષિકારોને જો પૂરતી સગવડ,મદદ આપવામાં આવે તો તેઓ વધુ ઉત્પાદન સાથે અગ્રેસર થવા તૈયાર છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે જ કૃષિનું સકળ ઘરેલૂ ઉત્પાદનમાં ખેતીનું યોગદાન વધે તે માટે તેમણે દેશમાં સૌ પ્રથમ કૃષિને સમૃદ્ધ બનાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતાં.

સરકાર દ્વારા માટે સુક્ષ્મ સ્તર સુધી સિંચાઇ વ્યવસ્થા પહોંચાડી દસ વર્ષ સુધી સતત ૧૦ ટકાનો કૃષિ વિકાસ દર ગુજરાતે જાળવી રાખ્યો હતો.

તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતીને પુનર્જીવિત કરવાનું કાર્ય વડાપ્રધાનશ્રીએ કર્યું છે. પ્રાકૃતિક ખેતીથી જ શુદ્ધ-સાત્વિક આહાર ઉપલબ્ધ બને છે.ભૂગર્ભ જળનું સ્તર વધે છે. ખેતી રાસાયણિક ખાતરોથી બચે છે જેથી જમીનનું પ્રદૂષણ અટકે છે. તેમણે દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.

કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આજે ભારત વિશ્વમાં નેતૃત્વ કરી રહ્યું છે. ભારતની સહમતી વગર આજે વિશ્વમાં કોઇપણ નિર્ણય લેવાતો નથી એવું મહત્વ આજે ભારતનું વિશ્વમાં પ્રસ્થાપિત થયું છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી માટે તેમણે કરેલાં પ્રયોગોની વિસ્તૃત સમજ આપીને સ્વચ્છતા અને આત્મનિર્ભર ભારત માટે કટિબદ્ધ એવાં વડાપ્રધાનશ્રી કૃષિને પણ સર્વોચ્ચ સ્તરે લઇ જવા કટિબદ્ધ છે.

તેમણે પ્રાકૃતિક ખેતીને દેશના દરેક ગામ સુધી પહોંચાડવા માટે પરિશ્રમની પરાકાષ્ટાથી પૃથ્વી માતાને ઝહેરથી બચાવી અમૃતમય બનાવવા હાકલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખેતીમાં રસાયણોનો ઉપયોગ ઘટાડીને ખેતીને અમૃતમય બનાવવા માટે આહ્વાન કર્યું હતું.

તેમણે જણાવ્યું કે, રાજ્યનો ડાંગ જિલ્લો સમગ્ર દેશમાં સૌ પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર થયો છે. તેમણે ‘લોકલ થી વોકલ’ દ્વારા ખેત ઉત્પાદન વધારી ગુજરાત દેશનું નેતૃત્વ લેશે.

ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત વાઇબ્રન્ટ સમિટની પ્રિ- ઈવેન્ટ રૂપે આણંદ ખાતે ૧૪ થી ૧૬ ડિસેમ્બર દરમ્યાન આ કૃષિ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. ગ્રામ પંચાયતોમાં પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સંજય કોસાંબી, કૃષિ વિભાગના અધિકારીઓ, ખેતીવાડીના આત્મા વિભાગના અધિકારીશ્રીઓ તથા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ : ઈમ્તિયાઝ હવેજ

IMG-20211217-WA0003-1.jpg IMG-20211217-WA0002-2.jpg IMG-20211217-WA0001-0.jpg

Admin

Imtiyaj Havej

9909969099
Right Click Disabled!