વોર્ડ.નં.12માં ભૂગર્ભ ગટરના કામમાં વેઠ ઉતારનાર ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટર ટર્મીનેટ

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ.નં.12માં થતા ભૂગર્ભ ગટરના કામમાં વેઠ ઉતાર કામગીરી કરનાર કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવાના મુદ્ે વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલી ઉગ્ર રજૂઆત અને આંદોલનને પગલે આ કોન્ટ્રાકટરને ટર્મીનેટ કરવામાં આવ્યાનું જાહેર થયું છે.
મહાનગરપાલિકાના કમિશ્નર વિજયકુમાર ખરાડીએ આ અંગેની લેખિત જાણ વિરોધ પક્ષ નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફીને કરી છે. આ મામલે અલ્તાફ ખફીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, આ મુદ્દે અમે કરેલી લડત અને ઉગ્ર રજૂઆતને સફળતા મળી છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના બાકી રહેતા અને ગીચ વિસ્તારોમાં સિવર કલેકશન પાઇપલાઇન નેટવર્ક પેકેજ-3નું કામ મેસર્સ રાજારામ ક્ધટ્રકશન નામની કોન્ટ્રાકટર પાર્ટીને આપવામાં આવ્યું હતું. મંજૂર થયેલ વિસ્તારો પૈકી વોર્ડ.નં.12માં ગુરૂદત્ત સોસાયટી, રબ્બાની પાર્ક અને મોરકંડા રોડ પરના વિસ્તારોમાં કામગીરી હાથ ધરાઇ હતી. આ કામમાં અનિયમિતતા અને જરૂરી ધારા-ધોરણ ન હોવાની ફરિયાદ કરી હતી. તપાસ બાદ કમિશ્નર દ્વારા આ કોન્ટ્રાકટરને નોટીસ આપ્યા પછી ગઇકાલે તેને ટર્મીનેટ કરવાનો આદેશ થયો હતો.