જામનગર : બેડીમાંથી ગાંજાના ૨૩ કિલો ૯૦૦ ગ્રામના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને ૧૦ વર્ષની સજા

જામનગર નજીકના બેડી વિસ્તારમાંથી ૨૦૨૦ની સાલમાં ૨૩ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા, ૧.૪૩ લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે પકડાયેલા બંને શખ્સો સામેનો કેસ એડી. સેશન્સ અદાલતમાં ચાલી જતા અદાલતે એક આરોપીને તકસીરવાન ઠેરવી દસ વર્ષની જેલ સજા અને એક લાખ રૂપીયાનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં એક આરોપીને છોડી મુકવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના બેડીમાં રહેતા હનીફ બીલાલ દલ અને વસંત ઉર્ફે ડેનીયલ પ્રેમ પારઘી નામના શખ્સને ગત તા. ૧૦-૨-૨૦૨૦ના રોજ બેડી મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ કૃણાલ ગાધેને મળેલી બાતમી પરથી દરોડો પાડી બંને શખ્સોને ૨૩ કીલો ૯૯૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા.
પોલીસે રોકડ, મોબાઇલ અને ગાંજાના જથ્થા સહિત ા. ૧.૪૩.૯૪૦નો મુદામાલ કબ્જે કર્યો હતો, દરમ્યાન આ બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, પોલીસે આ અંગે અદાલતમાં ચાર્જ શીટ રજુ કરી હતી આ કેસમાં જામનગરના તત્કાલીન એસપી દિપન ભદ્રને પણ કોર્ટમાં જુબાની આપી હતી, દરમ્યાન સરકારી વકિલની દલીલો અને રજુઆતો ઘ્યાને લઇ અદાલતે આરોપી હનીફ બીલાલ દલને તકસીરવાન ઠેરવ્યો હતો.
દરમ્યાન એડી. સેશન્સ જજ કે.આર. રબારીએ આરોપી હનીફ દલને દસ વર્ષની સજા અને ા. એક લાખનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજાનો હુકમ કર્યો હતો, આ કેસમાં અદાલતે વસંત ઉર્ફે ડેનીયલ પ્રેમ પારધીને છોડી મુકયો હતો, આ કેસમાં સરકારી વકિલ આર.વી. રાવલ રોકાયા હતા.