રેલવે પોલીસ સ્ટાફે મુસાફરની ટ્રેનમાં ભુલાયેલી 1.23 લાખની કિંમતી ચીજવસ્તુઓ પરત કરી

જામનગર : રાજકોટ ડિવિઝનનો સમર્પિત સ્ટાફ હંમેશા તેમના ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવાનો પ્રયત્ન કરે છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા મુજબ, હાલ માં 04 એપ્રિલ 2022ના રોજ, વિશાલ કોઠારી નામના મુસાફરે ઝઝઊ રાજકોટ શ્રી મુકેશ કુમારને જણાવ્યું હતું કે તેઓ બોરીવલીથી રાજકોટ જતી ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલના ઇ-4 કોચમાં મુસાફરી કર્યા બાદ પોતાનો બેગ ટ્રેનમાં ભૂલી ગયા હતા.
માહિતી મળતાં જ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના એસ્કોર્ટિંગ સ્ટાફ દ્વારા ટ્રેન એટેંડ કરવામાં આવી અને તેમને આ બેગ મળી આવી હતી. મુસાફરના ભત્રીજાને જામનગર સ્ટેશન પર આવ્યા બાદ માહિતીની સંપૂર્ણ ચકાસણી કરીને બેગ અને તેનો તમામ સામાન જેની કિંમત આશરે રૂ. 1,23,000/- છે, જેમાં એપલ કંપનીનું એક લેપટોપ, એક જોડી રેબોન ચશ્મા, એપલ કંપનીના ઈયર ફોન, 4 ચેકબુક સહિતની વસ્તુઓ સામેલ હતી, તે પેસેન્જરને પરત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 2021-22 ના નાણાકીય વર્ષમાં 1 માર્ચ, 2021 થી 31 માર્ચ, 2022 સુધીમાં, રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફ દ્વારા એક વર્ષમાં કુલ 79 મુસાફરો ને ટ્રેન અને સ્ટેશન પર ભુલાયેલા કીમતી સામાન જેની કિંમત આશરે રૂ. 12.81 લાખ રૂ છે તે ઓપરેશન અમાનત હેઠળ સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર શ્રી પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે.