રાજકોટ એઇમ્સ ખાતે ફેફસાની કાર્યક્ષમતાનો ક્યાસ કાઢી આપતું “બોડી પ્લેથિસ્મોગ્રાફી” મશીન ખુલ્લું મુકાયું

- રીપોર્ટ દ્વારા ફેફસાના રોગોના નિદાન અને સારવારમાં સરળતા રહેશે
રાજકોટ નજીક સાકાર થઈ રહેલી સ્ટેટ ઓફ ઘી આર્ટ એઇમ્સ હોસ્પિટલ ખાતે હાલમાં જ કાર્ડિયોપલ્મોનરી ટેસ્ટ મશીન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જે હૃદય અને ફેફસાની ક્ષમતાનું એક સાથે ચેકઅપ કરી શકે છે. આ સાથે બોડી ચેકઅપ માટે વધુ એક અત્યાધુનિક “બોડી પ્લેથિસ્મોગ્રાફી” મશીનનું ઉદ્ઘાટન પલ્મોનરી મેડિસિન વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પ્રોફેસર ડૉ. (કર્નલ) સી.ડી.એસ. કટોચ દ્વારા આજરોજ એઇમ્સ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ મશીન દ્વારા ડીફ્યુઝિંગ કેપેસીટી અને ફંકશનલ લોસ જાણી શકાય છે. એટલે કે ફેફસાંનું મુખ્ય કાર્ય ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ જાળવવાનું કાર્ય પુરતી માત્રામાં થઇ રહયું છે, તે જણાવે છે.
જો ફેફસાં પર ફાઇબ્રોસિસની અસર હોય અને તેને લીધે ફેફસાંની કાર્યક્ષમતામાં ઘટાડો થયો હોય તો આ મશીનથી તેનો અંદાજ કાઢવામાં મદદ મળે છે. રીપોર્ટ મળ્યે શ્વસન સંબંધી રોગોના નિદાન, સારવાર અને ફોલોઅપમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. તેમ ડો. કટોચે મશીનની ઉપયોગીતા સમજાવતા જણાવ્યું હતું. એઇમ્સ હોસ્પિટલ ખાતે સુપર સ્પેસ્યાલીટી મેડિસિન થકી દર્દીઓને ઉત્કૃષ્ટ સેવા સારવાર મળી રહે તે અર્થે ગુજરાત રાજ્યમાં પલ્મોનરી મેડિસિન વિભાગને શ્રેષ્ઠતાનું કેન્દ્ર બનાવવાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના વિઝનમાં આ એક આગવું પગલું છે.
ગિરીશ ભરડવા (રાજકોટ)