વિરોધ કરતા કરતા રાહુલ ગાંધીનો સ્વભાવ જ વિરોધ કરવાવાળો બની ગયો : શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 9 વર્ષની સિદ્ધિઓ પર ભારતીય જનતા પાર્ટીના મહા-જન સંપર્ક અભિયાન હેઠળ આયોજિત એક વિશાળ જનસભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસના પૂર્વ સાંસદને સરકારની દરેક પહેલનો વિરોધ કરવાની આદત બની ગઈ છે. કલમ 370ની વાત હોય, રામ મંદિરનો મુદ્દો હોય કે પછી ત્રિપલ તલાકનો મુદ્દો હોય, દરેક બાબતનો વિરોધ કરતા કરતા રાહુલ ગાંધીનો સ્વભાવ જ વિરોધ કરવાવાળો બની ગયો છે.
કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષ ખુલ્લા પુસ્તક સમાન છે. કોંગ્રેસની જેમ નથી, જેમને 12 લાખ કરોડનું કૌભાંડ કર્યું. મોદી-શાહની જોડી સામે ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. વર્ષો સુધી, જમ્મુ અને કાશ્મીર પર ત્રણ પરિવારો અબ્દુલ્લા, મુફ્તી અને ગાંધી પરિવારનું શાસન હતું. જો ઈતિહાસ જોવામાં આવે તો 1947થી 2014 સુધી જમ્મુ-કાશ્મીરમાં 42,000 લોકોની હત્યાની જવાબદારી આ પરિવારોની છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ સરકારના 10 વર્ષમાં 7,327 આતંકી ઘટનાઓ બની હતી, જ્યારે મોદી સરકારના 9 વર્ષમાં આ સંખ્યા ઘટીને માત્ર 2,350 થઈ ગઈ છે. આનો સ્પષ્ટ અર્થ છે કે આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 9 વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પર જે રીતે કડક હાથે પગલા લેવામાં આવ્યા છે, એથી સ્પષ્ટ થાય છે કે, આજે આતંકવાદ તેની મૃત્યુ પથારી પર છે.
મોદીજીના નેતૃત્વમાં અને અમિત શાહના માર્ગદર્શનમાં, દેશ માટે શ્યામા પ્રસાદ મુખર્જીના ‘એક વિધાન’ ‘એક નિશાન’ ‘એક પ્રધાન’ના ખ્યાલને સાકાર કરવાની દિશામાં કલમ 370 નાબૂદ કરવા માટે કડક પગલું લેવામાં આવ્યું. જે પછી 47 મહિનામાં હડતાલ માટે માત્ર 32 કોલ આવ્યા હતા જ્યારે પથ્થરબાજી 90% ઘટી છે. જે હાથોમાં પથ્થરો હતા આજે એ હાથોમાં લેપટોપ અને પુસ્તકો છે. આજે યુવાનો જમ્મુ-કાશ્મીરના ભવિષ્યને ઘડવા માટે તૈયાર છે. આજે જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ઉંચાઈઓને સ્પર્શી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસનને પાંખો મળી છે. કલમ 370 હટાવ્યા બાદ 2022માં પહેલીવાર 1.88 કરોડ પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીર આવ્યા હતા.
ભારતીય રાજનીતિની દશા અને દિશા બદલી નાખનાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મોદી સરકારની 9 વર્ષની સિદ્ધિઓ ગણાવતા બિહારના પટનામાં વિપક્ષના મહાગઠબંધ પર ‘પુલ શોટ’ મારતા કહ્યું, ‘આજે પટનામાં એક ફોટો સેશન ચાલી રહ્યું છે. વિરોધ પક્ષોના નેતાઓ એકઠા થયા છે. તેઓ એવો સંદેશ આપવા માંગે છે કે તેઓ ભાજપ અને મોદીજીને પડકાર આપશે. આ માત્ર ફોટો સેશન છે. વિપક્ષમાં એકતા બિલકુલ શક્ય નથી. તમામ પ્રયાસો છતાં 300થી વધુ બેઠકો સાથે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ પૂર્વનિર્ધારિત છે. વિરોધ પક્ષોનું એકઠું થવું એ સાબિત કરે છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે કોંગ્રેસની ક્ષમતાઓ અપૂરતી છે.