શ્રી દીપકભાઈ ત્રિવેદી લિખિત ‘અદ્વૈતનું ભવ્ય ગીત : અષ્ટવક્ર ગીતા’ ગ્રંથનું લોકાર્પણ

- હું કોણ? આ પ્રશ્નનો જવાબ અષ્ટવક્ર ગીતા આપે છે. – શ્રી વિજયભાઈ પંડ્યા
‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રમદાન થકી સ્વચ્છતા માટે સર્વે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે પાટનગરના આંગણે આત્માની શુદ્ધિ માટે શ્રમદાન કરનાર દીપકભાઈ ત્રિવેદીનું પુસ્તક “અદ્વૈતનું ભવ્ય ગીત : અષ્ટાવક્ર ગીતા”નું લોકાર્પણ થયું છે. ખરા અર્થમાં અષ્ટાવક્ર ગીતા એ આત્મા અને જીવન શુદ્ધિનું માર્ગદર્શક પુસ્તક છે. ‘ગમે તે ગઝલ’ પરિવાર દ્વારા આયોજિત આત્માનું અજવાળું પુસ્તક વીમોચન પ્રસંગે ‘ અદ્વૈતનું ભવ્ય ગીત:અષ્ટવક્ર ગીતા’નું લોકાર્પણ સંસ્કૃતના અભ્યાસુ અને આજીવન પોતાને ઉપનિષદોના વિદ્યાર્થી જણાવતા શ્રી વિજયભાઈ પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે પુસ્તક ની વિશેષતા અને વિષય સંદર્ભે પ્રકાશ પાડતા શ્રી વિજયભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે ‘અ’ વક્ર જેનું બીજ છે, તે અષ્ટવક્ર છે. અસ્ટી નો અર્થ બીજ થાય છે. માટે સંસારમાં બીજી કોઈ ઉપાધિની વક્રતા જેને લાગેલી નથી તે અષ્ટાવક્ર છે, તેની જ આ ગીતા છે. હું કોણ? આ પ્રશ્નનો જવાબ અષ્ટવક્ર ગીતા આપે છે. વેદોનો અભ્યાસ વર્તમાનમાં વિસરાઈ રહ્યો છે ખૂબ ઓછા લોકો વેદો અને ઉપનિષદોનો અભ્યાસ કરે છે ત્યારે આવું પુસ્તક સમાજ માટે લખવું અને સમાજને નવી દિશા આપવાનું ઉમદા કાર્ય થાય તે ખૂબ આનંદની વાત છે તેમ પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે વિશેષ ઉસ્થિત સ્નેહલભાઈ જોશીએ આ પુસ્તક વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે અષ્ટવક્ર ગીતામાં રાજા જનક અને અષ્ટાવક્રના સંવાદો છે. જે જીવન માં ખૂબ ઉપયોગી બની શકે છે. આ પુસ્તકની વિશેષતા અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે પુસ્તકના ૨૧ પ્રકરણમાં ૨૯૮ શ્લોક છે. ગર્વની વાત એ છે કે દરેક પ્રસંગ અનુરૂપ લેખકે ગુજરાતી કવિઓની પંક્તિઓ પણ મૂકી છે. જેને જુદા જુદા ૧૫૮ કાવ્યસંગ્રહ માંથી લેવામાં આવી છે. જુદા જુદા ૩૫ સંદર્ભ ગ્રંથોના અભ્યાસ થકી આ પુસ્તકનું નિર્માણ થયું છે.
પુસ્તકના લેખક વિશે વાત કરતા સ્નેહલભાઈ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષોથી દીપકભાઈ ત્રિવેદી ધર્મ અને મર્મ ગ્રંથો પર પ્રકાશ પાડવાની ઉમદા કામગીરી કરી રહ્યા છે. તેમના પુસ્તકો ‘ગંગા સતીના પદો’ અને ‘વિષ્ણુ સહસ્ત્ર નામ’માં પણ તેમની સુંદર કામગીરી જોવા મળે છે. ચિંતક, લેખક, સર્જક અને વ્યવસાયે ઇજનેર એવા શ્રી મુકેશભાઈ જોશીએ પણ આ અષ્ટાવક્રની ગીતા વિશે ખૂબ જ ઝીણવટ ભરી માહિતી આપી હતી. ભગવદગીતા તથા અષ્ટવક્ર ગીતા બંનેનો ભેદ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે અસ્તિત્વને ઓળખવાની વાત એટલે અષ્ટાવક્ર ગીતા. અષ્ટવક્ર ગીતા વિશે જાણતા પહેલા તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને અષ્ટવક્ર કોણ હતા? તે અંગેની પણ સુંદર માહિતી આપી હતી.
અંતે પુસ્તકના લેખક દીપકભાઈ ત્રિવેદીએ પુસ્તકની રચનાનો વિચાર ઉદ્ભવથી લઈ ૧૪ મહિના સુધીની આ સફરમાં થયેલા પોતાના અનુભવો અને સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે તદરૂપાનંદ સ્વામી, ગુરુ રત્ન પ્રભુજી, યોગ બ્રહ્મશ્રી ઋષિ પ્રભાકર જેવા ગુરુજનોના વ્યાખ્યાનો થકી તેમને આ અષ્ટવક્ર ગીતા ની રચના માટે પ્રેરણા સ્ફુરી હતી. તેમણે ગર્વ અનુભવતા જણાવ્યું કે અન્ય ભાષાઓમાં અષ્ટવક્ર ગીતા અથવા તેના વિશે ઘણા પુસ્તકો છે. પરંતુ ગુજરાતી ભાષામાં અષ્ટવક્ર ગીતા પર આ ચોથું પુસ્તક છે. આ પુસ્તકને તેમણે આત્મજ્ઞાન માટે સંકેત કરતો ગ્રંથ ગણાવતા જણાવ્યું હતું કે આ કોઈ ધર્મ કે પૂજા વિધિ નો ગ્રંથ નથી, આ ગ્રંથ તો હું કોણ છું તે આત્મજ્ઞાનનો ગ્રંથ છે. દરેક ધર્મગ્રંથોનો અર્ક આ અષ્ટવક્ર ગીતામાં છે. પણ તેમ છતાં તે ધર્મગ્રંથ નથી.
દીપકભાઈ ત્રિવેદી એ આ પ્રસંગે પુસ્તકની રચનામાં સહયોગી બનેલા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાજકોટ થી ગાંધીનગરમાં આવી પોતાના પુસ્તક વિમોચન પ્રસંગે દૂર દૂર ગામથી આવેલા ‘ગમે તે ગઝલ’ ના સભ્યો તથા સાહિત્ય પ્રેમીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન લેખક અને ચિંતક શ્રી પુલકભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત દીપકભાઈ ત્રિવેદીના પરિવારજનો તથા તેમના પત્ની હર્ષિદાબેન ત્રિવેદીએ અંતે આ પ્રસંગમાં હાજર સૌ કોઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પુસ્તકને સહર્ષ સ્વીકારનાર અને આ સફરમાં સહયોગી બનનાર નામી અનામી સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.