રાષ્ટ્રીય મહિલા કોશમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને એકપણ રૂપિયો મળ્યો નથી…!

રાષ્ટ્રીય મહિલા કોશમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને એકપણ રૂપિયો મળ્યો નથી…!
Spread the love
  • ૧૯૯૩થી મહિલાઓના હિત માટે કામ કરતી રાષ્ટ્રીય મહિલા કોશની યોજનાને જ બંધ કરવાનો નિર્ણય અન્યાયકર્તા
  • રાષ્ટ્રીય મહિલા કોશને બંધ કરવાના નિર્ણય અંગે પુનઃવિચારણા કરવા શ્રી શક્તિસિંહ ગોહિલની માંગણી

મહિલાઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે ૧૯૯૩થી શરૂ થયેલા રાષ્ટ્રીય મહિલા કોશમાંથી છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયા દેશમાં અન્ય રાજ્યોને મળ્યા પરંતુ ગુજરાતને એકપણ રૂપિયો રાષ્ટ્રીય મહિલા કોશમાંથી સહાય મળી નથી તેવો જવાબ આજે સંસદ(રાજ્યસભા)માં શ્રી શક્તિસિંહ ગોહિલના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો હતો. રાષ્ટ્રની મહિલાઓના કલ્યાણ માટે ઊભા કરવામાં આવેલા રાષ્ટ્રીય મહિલા કોશમાંથી એન.જી.ઓ., માઈક્રો ફાઈનાન્સીંગ સંગઠનો તથા એવી સેવાભાવી સંસ્થાઓ કે જે મહિલા સંગઠનો માટે કામ કરતી હોય તેને લોન અને સહાય આપવાની જોગવાઈ રાષ્ટ્રીય મહિલા કોશમાં ૧૯૯૩માં કરવામાં આવી હતી. આ યોજનાના કારણે અનેક મહિલાઓ અને મહિલા સંગઠનોને ફાયદો મળેલ હતો. આ રાષ્ટ્રીય મહિલા કોશમાં રૂ. ૨૮૫ કરોડનું બેલેન્સ હોવા છતાં આજે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, હવે રાષ્ટ્રીય મહિલા કોશની યોજના જ બંધ કરી દેવામાં આવી છે.

શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની આ નીતિ મહિલાઓ અને મહિલા સંગઠનોને અન્યાયકર્તા છે. રાષ્ટ્રીય મહિલા કોશમાં ૩૭ કુલ જગ્યાઓમાંથી ૨૫ જગ્યા ખાલી રાખવામાં આવી છે. સમગ્ર દેશમાં જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયા આ યોજનામાંથી મળ્યા હોય ત્યારે ગુજરાતની મહિલાઓ કે મહિલા સંગઠનોને છેલ્લા પાંચ વર્ષમાં એકપણ રૂપિયો નહીં ફાળવીને કેન્દ્ર સરકારે ગુજરાતને અન્યાય કર્યો છે. શ્રી શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે કે, સરકાર પુનઃવિચારણા કરે અને ૧૯૯૩થી મહિલાઓના કલ્યાણ માટે કામ કરતી રાષ્ટ્રીય મહિલા કોશ નિધિને બંધ કરવાના નિર્ણય અંગે પુનઃ વિચારણા કરી રાષ્ટ્રીય મહિલા કોશ નિધિ ફરી શરૂ કરવામાં આવે.

Admin

Admin

9909969099
Right Click Disabled!