ભરૂચ જિલ્લામાં લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઈન હાથ ધરાશે

- રક્તપિત્તનું નિદાન તેમજ સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરી શકાય
ભરૂચ જિલ્લામાં તા. ૧ થી ૧૯ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન લેપ્રસી કેસ ડિટેકશન(રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ) હાથ ધરાનાર છે. જેમાં જિલ્લાના તમામ નવ તાલુકાની ગ્રામ્ય વસ્તી તથા શહેરી વિસ્તારને આવરી લેવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં આરોગ્ય ટીમો ઘરે ઘરે જઈ તમામ સભ્યોની લેપ્રસીના શંકાજનક ચિહ્નોની તપાસ કરશે.તમામ ચિહ્નો ધરાવતા દર્દીઓને નજીકના સરકારી દવાખાનાના તબીબી અધિકારી દ્વારા નિદાન કરી સારવાર પર મૂકવામાં આવનાર છે. હાલ, ભરૂચ જિલ્લામાં ૧૯૬ દર્દી સારવાર હેઠળ છે.
આવો જાણીએ રક્તપિત શું છે?
રક્તપિત માઈક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈપણ ઉમરે સ્ત્રી અથવા પુરૂષ એમ બંને જાતિને થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઅઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ /અપંગતા અટકાવી શકાય છે. રક્તપિત રોગના લક્ષણોમાં (૧) શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું તેમજ (૨) જ્ઞાનતંતુઓ જાડા થવા તેમજ તેમા દુ:ખાવો થવો એ મુખ્ય છે.
રક્તપિતના દર્દીને સારવાર કયાંથી મળે?
રક્તપિત કોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડિસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ ખાતે એમ.ડી.ટી. મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે, જેનો લાભ લઈને રક્તપિત્તનું ઉત્તમ નિદાન અને ઘનિષ્ઠ સારવાર મેળવી શકાય છે. આ અંગેની મદદ તેમજ યોગ્ય માર્ગદર્શન માટે જિલ્લા રક્તપિત્ત અધિકારી ૦૨૩૪૨-૨૪૦૫૪૧નો સંપર્ક કરવા પણ જિલ્લા રક્તપિત અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
ભાવેશ મુલાણી (બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત)