‘ગુલાબો સિતાબો’ આવતા વર્ષે ૨૪ એપ્રિલે રિલીઝ થશે

મુંબઈ,
ડિરેક્ટર શૂજિત સરકારની અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ની રિલીઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે મેકર્સે ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ફેમિલી કોમેડી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ ૨૪ એપ્રિલ, ૨૦૨૦ના રોજ રિલીઝ થશે.
‘ગુલાબો સિતાબો’ ફિલ્મને એવોર્ડ વિનિંગ રાઇટર જુહી ચતુર્વેદીએ લખી છે. તેમણે ‘પિકુ’, ‘વિકી ડોનર’ જેવી ફિલ્મો લખી છે. આ ફિલ્મને રોની લાહિરી અને શીલ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યા છે. શૂટિંગ માટે ટીમ આ મહિનાના અંતમાં લખનઉ રવાના થશે. ટીમ ત્યાં એક મહિનાના શેડયૂઅલનું શૂટિંગ પૂરું કરશે.
શૂજિત સરકારે અગાઉ અમિતાભ બચ્ચન સાથે ‘પિન્ક’ ફિલ્મમાં અને આયુષ્માન સાથે ‘વિકી ડોનર’ ફિલ્મમાં કામ કર્યું હતું. ‘ગુલાબો સિતાબો’ ફિલ્મ સિવાય હાલ તેઓ વિકી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ સિંહ’ ફિલ્મ પર પણ કામ કરી રહ્યા છે.