ઓનલાઇન ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

અપૂર્વ રાવળ, મહેસાણા
વિસનગર શહેરમાં રહેતા એક શખસ સાથે ફેસબુક એકાઉન્ટ ઉપર સીબીઆઈના ડાયરેક્ટર હોવાની ઓળખ આપી સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વખતો વખત તેની સાથે સોશ્યલ મિડીયા ઉપર વાતચીત કરી વિશ્વાસ સંપાદન કર્યો હતો. તે દરમિયાન બન્ને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. બાદમાં તેના અન્ય સાથીદારોની મદદથી વિસનગરના શખસને વિશ્વાસમાં લઈ જુદા-જુદા બહાના હેઠળ મોંઘીદાટ વસ્તુઓ સસ્તામાં આપવાની લાલચ આપી હતી. જેમાં ફસાઈ જતાં તેમણે અલગ અલગ બેંક ખાતામાં ઠગ ટોળકીના કહેવા પ્રમાણે અત્યારસુધીમાં રૃ.૭૫૬૦૮૯૯ જેટલી રકમ જમા કરાવી હતી. પરંતુ સમય વિતવા છતાં કોઈ વસ્તુ ન મળતાં છેવટે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે મહેસાણાના પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલ અને વિસનગર શહેર પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દિલ્હીમાં વોચ ગોઠવીને ઓનલાઈન છેતરપિંડી આચરનાર આંતરરાષ્ટ્રીય ઠગ ટોળકીના બે નાઈજિરીયન અને દિલ્હીની એક મહિલા અને બે પુરુષો સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
ઠગ ટોળકીના ઝડપાયેલા આરોપીઓ
૧.સમીલ ઈજીકે ગોડવીન ઉ.વ.૩૩
૨. એન્ટ્રોની કાકુ ઉ.વ.૩૨
૩. હૈદરઅલી મુતૃજાઅલી શેખ ઉ.વ.૪૫
૪. મહંમદ ગુફરાન યાકુબઅલી સૈફી ઉ.વ.૩૭
૫. મહિલા તહો-સુમન લેટ રામસિંહ રામજોહર મોર્ય ઉ.વ.૨૬
સીબીઆઈ ડાયરેક્ટરનો હોદ્દો ધારણ કરી છેતરપિંડી આચરી
વિસનગરના ફરિયાદી સાથે ફેસબુક ઉપર મિત્રતા કેળવ્યા બાદ સીબીઆઈ ડાયરેક્ટરનો હોદ્દો બતાવી દિલ્હીના શખસે અવારનવાર મેઈલ કરી વિશ્વાસ સંપાદન કર્યો હતો. ત્યારબાદ મોંઘીદાટ વસ્તુઓ સસ્તામાં આપવાની લાલચ આપતાં તેમની ચુંગાલમાં ફસાઈ જતાં લાલચમાં આવીને જુદા જુદા ખાતામાં ૭૫ લાખથી વધુની રકમ જમા કરાવી હતી.
આરોપીઓ કેવી રીતે પકડાયા
સમગ્ર ઘટના અંગે મહેસામાના સાયબર સેલના પીએસઆઈ સી.વી.નાયક અને વિસનગર શહેર પીઆઈ એમ.આર.ગામેતી ટેકનીકલ સોર્સીંસથી વિગતો મેળવીહ તી. ઠગ ટોળકી દિલ્હીની હોવાનું ફલીત થતાં મહેસાણા પોલીસની ટીમે દિલ્હીના મુખર્જીનગર વિસ્તારમાં ધામા નાખ્યા હતા. અહી સ્થાનિક પોલીસની મદદથી પેઈંગગેસ્ટ તરીકે રહેતા બે નાઈજિરીયન નાગરિકો સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
૨૦૦થી વધુ ભારતીયો છેતરાયા હોવાનું અનુમાન
ઓનલાઈન છેતરપિંડી કરવાના નેટવર્કનો પર્દાફાશ કરી મહેસાણા પોલીસે એક મહિલા સહિત પાંચઆરોપીઓને પકડી લીધા છે. તપાસમાં આ ઠગોએ દિલ્હી ખાતે જુદા જુદા આઠ એકાઉન્ટમાં લાખો રૃપિયાનું ટ્રાન્જેક્શન થયું હોવાનું તેમજ ૨૦૦થી વધુ ભારતીયો છેતરાયા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી પુછપરછ આરંભી છે. જેમાં વધુ વિગતો ખૂલે તેવી વકી જણાય છે.
દિલ્હીના ત્રણ સાયબર કાફેના સંચાલકો પણ ઝડપાયા
વિસનગરના ફરિયાદી સાથે ઓનલાઈન થયેલી છેતરપિંડીના કેસમાં પોલીસે તપાસ કરતાં પૈસા દિલ્હી સ્થિત ઈકોમર્સ સાયબર સોલ્યુશન પોઈન્ટમાંથી મની ટ્રાન્સફર અને નાણા સ્વાઈપ મશીનથી ઉપાડયા હોવાનું માલુમ પડયું હતું. જેથી પોલીસે ફ્રોડ આચરનાર નાઈજેરિયાના બે સૂત્રધારો ઉપરાંત દિલ્હીના સાયબર કાફેના ત્રણ સંચાલકોની પણ ધરપકડ કરી હતી. આ ઘટનામાં આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે લેવા કાર્યવાહી આરંભી છે.