ખેડબ્રહ્મા ખાતે કૃષિ જાગૃત્તા શૈક્ષણિક શિબિર યોજાઇ

ખેડબ્રહ્મા,
સમગ્ર રાજયમાં મકાઇના પાકમાં વ્યાપેલા ફોલઆર્મી વર્મના ઉપદ્રવને નાથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાબરકાંઠા ના ઉપક્રમે સાબરકાંઠા –અરવલ્લી જિલ્લાના ખેડૂતોની શૈક્ષણિક જાગૃત્તા શિબિર સરદારકૃષિનગર યુનિર્વસિટીના કુલપતિ શ્રી ડૉ આર.કે.પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી.પ્રાસંગિક પ્રવચન કરતા કુલપતિ શ્રી ડૉ આર.કે.પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ખેતીક્ષેત્રે અવનવા સંશોધનાને પ્રોત્સાહન આપી રહી છે. તેમા પણ જીરો બજેટ ની ખેતીને વધુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત સજીવ ખેતી તરફ ખેડૂતો વળે એ સમયની માંગ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.આ કાર્યક્રમાં ઉપસ્થિત એસ.એ.બી.સીના ચેરમેન શ્રી ડૉ.સી.ડી.માયીએ જણાવ્યું હતું કે આગામી સમય એ બાયોલોજીક વોરનો સમય છે જેનાથી ખેડૂતોનો આર્થિક રીતે પાયમાલી વેઠવાનો વારો આવશે. જો ખેડૂત સમયસર જાગીને પાક સંરક્ષણ નહિ કરે તો તેની પ્રગતિમાં અવરોધ જરૂર ઉભો થશે. તેમણે આર્મી વર્મની જાણકારી અંગે ગામે ગામ અને પંચાયતોમાં પોસ્ટર લગાવાય તે સમયની માંગ છે.એસ.એ.બી.સીના નિયામક શ્રી ભગીરથ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ જીવાત ઝડપથી વિસ્તરે છે.જે માત્ર ૧૦ દિવસમાં સમગ્ર પાકને નષ્ટ કરી શકે છે. તેમણે ખેડૂતોને કોઇ પણ ભેળસેળવાળી દવાનો ઉપયોગ કર્યા સિવાય સરકાર દ્વારા માન્ય કરેલ દવાનોજ પાકમાં છંટકાવ કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમણે ખેડૂતોને સમાયાંતરે ખેતરની મુલાકાત લઇ પાક વિષે જાણકારી મેળવતા રહેવા ખાસ સૂચન કર્યુ હતું.ફોલ આર્મી વર્મ અંગે જાણકારી આપતા નાયબ ખેતી નિયામક શ્રી પી.બી. ખિસ્તરીયાએ જણાવ્યું હતું કે, આ જીવાત અમેરિકા અને આફ્રિકા દેશમાં થઇ ને ભારતના કર્ણાટક રાજયમાં પ્રવેશી છે. જે મેધાલય અને નાગાલેન્ડમાં પણ જોવા મળી રહી છે. તે ૩૦૦ કિમી સુધીનો સફર કરીને મોટા પાયે અતિક્રમણ કરે છે આપણા ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં મકાઇનું વાવેતર મોટાપ્રમાણમાં થાય છે. તેથી આ વિસ્તારમાં પણ આ જીવાત જોવા મળી રહી છે. ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલ અને દાહોદ વિસ્તારમાં મકાઇનું વાવેતર વધુ થાય છે. તેથી આ વિસ્તારોમાં જાગૃત્તા જરૂરી છે અને એમાય ખાસ આદિવાસી વિસ્તારમાં મકાઇનું વાવેતર વધુ હોય છે જેમાં સાબરકાંઠા જિલ્લાના ૧૨ હજાર હેકટરમાં મકાઇનું વાવેતર થયુ છે. જેને લઇ આ શિબિરનું ખાસ આયોજન કરાયું છે.કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી એ.એ.શેખે મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરી આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.પટેલ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક, વૈજ્ઞાનિક તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.