હેમંતભાઈ ચૌહાણ સરળ અને મૃદુ સ્વભાવના ઉચ્ચ કોટિના કલાકાર : ભરત પંડ્યા

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
ભાજપા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, શ્રી હેમંત ચૌહાણ એક સુપ્રસિધ્ધ કલાકાર છે. અનેક વર્ષોથી તેઓ મારા પરિચયમાં છે. તેમના માટે શ્રી જીતુભાઇ વાઘાણી અને મને આદર અને સ્નેહની લાગણી છે. લોકસાહિત્ય-લોકસંગીતમાં તેમની ‘ગાયકી’એ બહુ મોટું યોગદાન આપેલું છે. અમે તેમનું સન્માન કરીએ છીએ.
શ્રી હેમંતભાઇ ચૌહાણ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ આવેલા ત્યારે તે સમયે ઉપસ્થિત અનેક કલાકારો સાથે તેમને પણ ભાજપાનો ખેસ પહેરાવીને ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ આવકાર્યા હતા. તેમણે મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા, તેમણે કહ્યું હતુ કે, ‘‘સમજણ આવી ત્યારથી ભાજપામાં જ છીએ. શ્રી મોદી સાહેબે કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવવાના નિર્ણયથી ઇજ્જત વધારી છે અને તેઓ લોકકલ્યાણના કામ કરે છે’’ અને છેલ્લે તો ‘‘રંગાઇ જાને રંગમાં’’ ગીત પણ ગાયુ હતુ. ગુજરાતની જનતાએ મીડિયાના માધ્યમથી આ સમગ્ર ઘટનાક્રમ જોયો છે.
શ્રી પંડ્યાએ જણાવ્યુ હતુ કે, શ્રી હેમંતભાઇ સરળ, મૃદુ અને એક ઉચ્ચ કોટીના પ્રસિધ્ધ કલાકાર છે. તેમના માટે કોઇ વિવાદ હોય જ ન શકે. તેમણે કોઇ દબાણ કે કોઇ કારણસર અથવા કે ‘સક્રિય રાજકારણ’ની ગેરસમજણને કારણે કોઇ પ્રતિભાવ આપ્યો હશે. ભાજપામાં જોડાવવું એટલે ચૂંટણી લડવી કે સંગઠનમાં હોદ્દો લેવો કે ‘પબ્લિક પોલીટીક્સ’માં જોડાવવું તેવો અર્થ હોતો નથી. કદાચ કોઇ દબાણ કે ગેરસમજણને કારણે મારે પબ્લીક પોલીટીક્સમાં એટલે કે રાજકારણમાં જોડાવવું નથી તેમ કહ્યું હશે તેમ હું માનુ છું. રાજકારણમાં ન જોડાવવું તેવા તેમના નિર્ણયનો અમને કોઇ વાંધો હોઇ શકે નહી. પરંતુ અમને વિશ્વાસ છે કે, તેઓ ભાજપાના નેતૃત્વ સાથે, દેશભક્તિ અને લોકકલ્યાણના ભાજપાના વિચારો સાથે હંમેશા જોડાયેલા રહેશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવવાના કારણે દેશ અને ગુજરાતની જનતા આ નિર્ણયના સમર્થનમાં પોતાની લાગણીઓનું પ્રતિબિંબ વિવિધ ક્ષેત્ર અને વર્ગના લોકો ભાજપા જોડાઇને પાડી રહ્યા છે. અનેક સાહિત્યકારો, કલાકારો, ડૉકટ્સ કે વકિલો તે મોટી સંખ્યામાં ભાજપામાં જોડાય છે તે તમામ ભાજપાના નેતૃત્વ, વિચારો અને કાર્યોથી ભાજપામાં જોડાય છે. પરંતુ તેમાં બધા ‘પબ્લીક પોલીટીક્સ’માં ચૂંટણી કે હોદ્દો લઇને સક્રિય રહે તે જરૂરી નથી તેમ શ્રી પંડ્યાએ અંતમાં જણાવ્યુ હતુ.