ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા ડેમોસ્ટ્રેશન

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની અસ્નાબાદ પ્રાથમિક શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અમિત પટેલે ટીમના સભ્યોને આવકારી શાળાના બાળકો તથા ઉપસ્થિત એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓ સમક્ષ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમ અંતર્ગત એન.ડી.આર.એફ.ની ટીમના સભ્ય પાંડેએ બાળકોને કુદરતી તથા કુત્રિમ આપત્તિ દરમિયાન લેવાના સાવચેતીના પગલાની વિસ્તૃત માહિતી આપી હતી. આ આપત્તિઓને ટાળવા શું કરી શકાય તેની પણ અસરકારક માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે બાળકોએ જે-તે આપત્તિ વેળા બચવાના કેવા પગલાં લઈ શકાય તેના મોકડ્રીલમાં સહર્ષ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે ઉપશિક્ષક વિનોદ ત્રિવેદીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.