ચિકનગુનિયાના કેસમાં ગુજરાત દેશમાં બીજા નંબરે, ડેન્ગ્યુ કરતા પણ વધુ વકર્યો

અમદાવાદ,
તાજેતરમાં નેશનલ હેલ્થ પ્રોફાઇલ દ્વારા રજૂ કરવામાં આવેલી એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ચિકનગુનિયાના કેસમાં ગુજરાત ૧૦૬૦૧ કેસ સાથે દેશમાં બીજા ક્રમાંકે છે. જ્યારે ૨૦૪૧૧ કેસ સાથે કર્ણાટક પ્રથમ અને ૯૮૮૪ કેસ સાથે મહારાષ્ટÙ ત્રીજા ક્રમાંકે છે. વર્ષ ૨૦૧૪માં ચિકનગુનિયાના માત્ર ૫૭૪ કેસ નોંધાયા હતા. જે વર્ષ ૨૦૧૮માં ૨૦ ગણા વધીને ૧૦૬૦૧ થયા હતા. જ્યારે કર્ણાટકમાં ગુજરાત કરતા બે ગણા (૨૦૪૧૧) વધુ કેસ નોંધાયા હતા. આ રીતે માત્ર ગુજરાત અને કર્ણાટકમાં દેશના કુલ ૫૦ ટકા કરતા વધુ ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં ડેન્ગ્યુ કરતા ચિકનગુનિયા વધુ વકર્યો હતો. ૨૦૧૮માં ડેન્ગ્યુના ૭૫૭૯ કેસ નોંધાયા હતા જ્યારે ચિકનગુનિયાના ૧૦૬૦૧ કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં વર્ષ દર વર્ષ મચ્છરજન્ય રોગોમાં વધારો જાવા મળી રહ્યો છે. મુખ્યત્વે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ સહિતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વરસાદી વાતાવરણમાં વધુ વકરે છે. હાલ પણ રાજ્યમાં કમોસમી વરસાદનુ વાતાવરણ યથાવત છે. ગુજરાતના છેલ્લા ૫ વર્ષના આંકડા પર નજર કરીએ તો દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જાવા મળ્યો છે. વર્ષ ૨૦૧૪ની સરખામણીએ ૨૦૧૮માં ૨૦ ગણો વધારો નોંધાયો હતો. એ જ રીતે ડેન્ગ્યુના કેસમાં પણ ૩ ગણો વધારો જાવા મળ્યો હતો. જ્યારે અમદાવાદમાં આ વર્ષે જાન્યુઆરીથી ૨ નવેમ્બર સુધીમાં ચિકનગુનિયાના ૧૨૬ પોઝિટિવ કેસ અને ડેન્ગ્યુના ૧૪૮૫ કેસ નોંઘાયા હતા.