ધારીખેડા નર્મદા સુગર ફેક્ટરીનો દેવદિવાળીના શુભ દિવસે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પૂજનવિધિ

- આ વખતે 8 લાખ શેરડી પીલાણનો નર્મદા સુગરનો લક્ષ્યાંક
- નર્મદા ભરૂચમાં નવા વર્ષે 15000 એકરમાં શેરડીનું નવું રોકાણ થશે
- ચાલુ વર્ષે નર્મદા સુગર 50 હજાર ક્વિન્ટલ ઓર્ગેનિક ખાંડ તૈયાર કરશે
- આ વર્ષે નર્મદા સુગર 1 કરોડ 15 લાખ લીટર ઈથનોલ પણ બનાવવા જઇ રહી છે
- ઇથેનોલ બનાવનાર નર્મદા સુગર દેશમાં ત્રીજા ક્રમે ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી
- સલ્ફર વગરની સલ્ફરલેસ ખાંડ ગુજરાતમાં એકમાત્ર નર્મદા સુગર બનાવે છે
ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા ની નર્મદા સુગર ફેક્ટરીનો આજે દેવદિવાળીના શુભદિને સાધુ સંતોની ઉપસ્થિતિમાં પૂજનવિધિ સાથે નવી શેરડી પીલાણ સીઝનનો મંગલ પ્રારંભ થયો હતો, આ પ્રસંગે સ્વામીજી મહારાજ તથા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, એમડી નરેન્દ્ર પટેલ તથા ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં પૂજન વિધિ કરી બોઇલર પ્રજ્વલિત કરીને શેરડી પીલાણ સાથે આજ થી 180 દિવસ માટે નર્મદા સુગર ધમધમતી થઈ ગઈ હતી.
આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ જણાવ્યું હતું કે ગત વર્ષે નર્મદા સુગર 7 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કર્યું હતું.આ વર્ષે 8 લાખ ટન શેરડી પીલાણનો લક્ષ્યાંક છે. અત્યારે ખેડૂતો પાસે 2800 એકરમાં ચાલુ સાલે શેરડીનું વાવેતર થયું છે નવા વર્ષે 15000 એકરમાં શેરડીનું નવું રોકાણ થશે. આ વર્ષે એક આંખની રોપા વાળી, બે આંખના ટુકડાવાળી નવી પદ્ધતિ વાળી શેરી પણ તૈયાર થઇ રહી છે. ચાલુ વર્ષે ઓર્ગેનિક શેરડીનું સૌપ્રથમ આજથી પીલાણ શરૂ કરાયું છે. આ વર્ષે નર્મદા સુગર 50 હજાર ક્વિન્ટલ ઓર્ગેનિક ખાંડ તૈયાર કરશે.
આ વર્ષે નર્મદા સુગર 1 કરોડ 15 લાખ લીટર ઇથનોલ પણ બનાવવા જઇ રહી છે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે તે મુજબ દેશનું હૂંડિયામણ બીજા દેશમાં ન જાય તે માટે નર્મદા સુગર એ ઇથેનોલ બનાવવાનું નક્કી કર્યું છે. નર્મદા સુગર હવે શેરડીના રસમાંથી ડાયરેક્ટ ઇથેનોલ બનાવશે. આ ટેકનોલોજી માત્ર બ્રાઝિલમાં જ છે. અને દેશમાં એકાદ બે જગ્યાએ જ છે. આ ઈથેનોલ બનાવનાર નર્મદા સુગર દેશમાં ત્રીજા ક્રમે ગુજરાતમાં પ્રથમ ક્રમે આવે છે. આનાથી ખેડૂતોની આવક બમણી થશે અને આવકમાં વધારો થશે.
એ ઉપરાંત ઝીરો બજેટ આધારિત ખેતી ગાય આધારિત પ્રકૃતિ ખેતીને પણ નર્મદા સુગર ખેડૂતોના હિતમાં હિમાયત કરી છે. જેમાં પ્રતિ એકરે 100 ટન શેરડી કેવી રીતે પકવાય તે પ્રોજેક્ટ હાથ ધરશે. જેની સબસિડી સહાય પણ મળશે. જેનાથી ખેડૂતો નું ઉત્પાદન અને આવક પણ વધશે એ ઉપરાંત સલ્ફર વગરની સલ્ફરલેસ ખાંડ ગુજરાતમાં એકમાત્ર નર્મદા સુગર બનાવે છે. એમ જણાવી ઘનશ્યામ પટેલે દેશમાં સૌથી વધુ ખાંડ એક્સપોર્ટ કરનારી એક માત્ર નર્મદા સુગર છે જેની એક્સપોર્ટ થયેલી ખાંડ આજદિન 1 એક ક્વિન્ટલ પણ રીજેક્ટ થઇ નથી.
ઘનશ્યામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે નર્મદા સુગર ના 22000 હજાર સભાસદો પૈકી 7000 સભાસદો શેરડીનું ઉત્પાદન કરતા થયા છે. નર્મદા સુગરની બાયો કમ્પોસ્ટ પ્રોજેક્ટ, ઈથેનોલ, આલ્કોહોલ ની બનાવટો, ફોસ્ફો કોમ્પોઝ, ઓર્ગેનિક ખાંડ વગેરે નું ઉત્પાદન કરી ઉત્તમ ક્વાલિટીની ખાંડનું ઉત્પાદન કરી બેસ્ટ મેનેજમેન્ટ કરવા બદલ નર્મદા સુગરને 20 વર્ષમાં 30 એવોર્ડ મળ્યા હોવાનું જણાવ્યું હતું.
આજથી નર્મદા સુગરમાં શેરડી પીલાણની કામગીરી શરૂ થઇ હતી. જેમાં 384 બળદગાડા, 160 ટ્રકો, 170 ટ્રેક્ટર ભરીને દૈનિક ઓર્ગેનિક શેરડી પીલાણનો પ્રારંભ થયો છે. જેમાં 14000 મજૂરો કામ પર લાગતા આ વિસ્તારમાં રોજગારી ના નવા દ્વાર નર્મદા સુગરએ ખોલ્યા હતા. નર્મદા અને ગુજરાત મહારાષ્ટ્રમાંથી કોઈતાઓ, મજૂરો આવી રહ્યા છે. આમ નર્મદા સુગર દ્વારા 25 હજાર લોકોને રોજગારી મળી રહી હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)