શ્રી માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડાની ગૌ સેવા પ્રવૃતિની એક ઝલક

માંગરોળથી આશરે 13 કી. મી. દૂર આવેલ કુકસવાળા ખાતે તા.૦૪-૧૧-૨૦૧૯ને સોમવાર કારતક સુદ ગોપાલ અષ્ટમીના પાવન દિવસે શ્રી માં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા દ્વારા ગૌમાતા પુજન,આરતી તેમજ ગોપાલ પુજન અને તુલસી પુજન કરવામાં આવ્યુ હતુ. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે નીકળ્યા હતા. આ પાવન દિવસે શ્રી માં ગૌસેવા દ્વારા કરેલ ગૌ કાર્યને શિવમ્ ચક્ષુદાન આરેણા બિરદાવે છે. આ ગૌ સેવા હોસ્પિટલમાં ૮૦ થી પણ વધુ ગાયો બિમાર અને અપંગ છે.
જે ગાયોની આ કાર્યકરો દ્વારા સેવા અને ખુબજ સારી સારસંભાળ રાખવામાં આવે છે. આ ગૌસેવા હોસ્પિટલમાં ગંભીર રોગો, કેન્સર જેવા રોગોની સારવાર થાય છે અને રોજ એક ગાયનુ ઓપરેશન કરવામાં આવે છે. આ ગૌસેવામાં કાર્યરત કાર્યકર્તાઓ આજુબાજુના બધા જ ગામોમાંથી બિમાર ગાયોને લાવી તેમની સારવાર કરે છે અને ૧૦૦ થી વધુ સારી ગાયોને ચારો નિયમિત અને સમયસર આપવામાં આવે છે.આ રીતે સારી અને બિમાર લગભગ ૨૦૦ ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે.
આ પ્રવૃતિ સાથે જોડાયેલ સ્વયંસેવકો ગૌસેવા માટે પોતાના જાતની પણ પરવા કર્યા વગર 24 કલાક 365 રાત દિવસ સતત ને સતત ગાયો માટે ખુબજ નિસ્વાર્થ ભાવે કાર્યરત રહે છે. અહિં દાતાશ્રીઓ દ્વારા લીલોચારો, સુકોચારો, ખાણ, લાપસી, લાડુ વગેરે સમયાંતરે આપવામાં આવે છે. આપણી ભારતભુમી સંસ્કૃતિ અને સંસ્કારની ભુમી છે. આ ભુમી પર ભગવાન રામ અને કૃષ્ણ જન્મ્યા છે. અત્રી, દુર્વાસા, વ્યાસ, દધિચી જેવા ઋષિમુનિઓએ પોતાના તપોબળ અને જ્ઞાનની સરવાણી આપી છે.
સંતો, ભક્તો, શુરવિરો પણ આ ભુમિમા થયા છે. આ તમામના જીવનચરિત્રો વાંચીએ તો તેમાં ગાયનુ મહત્વ જોવા મળે છે. આ તમામ લોકોએ ગાયને માતા તરીકે પ્રથમ સ્થાન આપ્યુ છે. જીવન પર્યત ગાયોની સેવા કરી છે.તેમણે પ્રજાને ગાય છે તો જીવન છે નો સંદેશો આપ્યો છે. ભગવાન કૃષ્ણએ બાળપણમાં ગાયો ચરાવી લોકોને ગૌધનનુ મહત્વ સમજાવ્યુ હતું.
તેમણે ગાયોના ઘી,માખણ અને મિશ્રી ખાધા જેથી તેઓ ૧૨૫ વર્ષ સુધી નિરોગી શરીર અને કુશાગ્ર બુધ્ધિથી રાજ્ય કરી શક્યા
આજના ઝડપી યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે.પરંતુ સાથે સાથે તેના ગંભીર પરિણામો પણ લોકો ભોગવી રહ્યા છે.આજે અનેક રોગોના ભોગ લોકો બને છે તેનુ કારણ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ જવાબદાર છે. આ ખાતરો અને દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરી અને જો ગાય આધારીત ખેતી કરવામાં આવે તો ખુબ સારા પરિણામો જોવા મળશે.
ગાયનુ છાણ અને ગૌમુત્ર તેમજ તેની સાથે કેટલીક વનસ્પતિઓના મિશ્રણ દ્વારા તૈયાર કરેલ ટોનિક જો કૃષિમાં વપરાય તો બે ત્રણ વર્ષમાં જંતુનાશક દવાની સરખામણીમાં દોઢુ અને બમણુ ઉત્પાદન લઈ શકાય આ કેટલાક ગૌપ્રેમી લોકો અને ખેડુતોએ સાબિત કરી બતાવ્યુ છે. આ વિશે વધુ માહિતી મનસુખભાઈ સુવાગીયા લિખિત પુસ્તક ગોવેદ, ગોસત્વ, દિવ્યગ્રામ દ્વારા મળી રહે છે.
આજે આપણી પેઢી પૈસા કમાવવાની આંધળી દોટ તેમજ પશ્વિમી સંસ્કૃતિનુ અનુકરણ કરી આપણી સંસ્કૃતિ અને ભારતીય ઋષિપરંપરાઓને વિસરતી જાય છે.જેના કારણે આજે અનેક દુઃખ અને રોગોમાં ઘેરાયેલ રહે છે.આ રીતે જો રહ્યુ તો ભવિષ્યમાં ભારતભુમિ પર પ્રજા પ્રાણહિન,રોગીષ્ઠ અને માયકાંગલી બનશે. આ બધા મહાસંકટથી બચવા માટે માટે ફરીથી ઘરે ઘરે ગાયો પાળી અને ગૌસેવા કરવી પડશે.
માં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા દ્વારા થતી આ ગૌસેવાની પ્રવૃતિ સમાજના લોકો માટે પ્રેરણાદાયક છે
આ કાર્યકરો દ્વારા થતી સેવાને સો સો સલામ.તેમના દ્વારા જે ગૌસેવાનો ભેખ લીધો છે તે ખરેખર ખુબજ વંદનને પાત્ર છે.તેઓ દ્વારા થતી આ ગૌસેવા એ આપણી ભારતીય પરંપરાને જાળવી રાખી છે.અને ગૌધનના મુલ્યને ઉજાગર કર્યુ છે. આ લોકોની નિસ્વાર્થ સેવાથી પ્રેરાઈ અને લોકો ગાયનુ મહત્વ સમજે તેવી પણ આસાથે અપીલ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)