પીજીવીસીએલના ડે. ઈજનેર ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયા

ગીર-સોમનાથ,
સુત્રાપાડા પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઇ કાનજીભાઇ જેઠવાએ પીજીવીસીએલ સુત્રાપાડામાં વીજ પોલ ઉભા કરવા, તાર ખેંચવા, ફીડર બદલવા જેવા અલગ અલગ કામો માટે લેબર કોન્ટ્રાક્ટ પાસેથી લાંચ માંગી હતી. જેમાં કોન્ટ્રાક્ટરનો રૂ. ૧,૯૦,૫૩૪ નો ચેક મંજૂર થઇને આવતાં અધિકારીએ રૂપિયા માંગ્યા હતા. આ અંગે કોન્ટ્રાક્ટરે ગિર-સોમનાથ એસીબીને જાણ કરી હતી. આથી એસીબીના પીઆઇ વી. આર. પટેલ અને આર. એન. દવેએ મદદનીશ નિયામક બી. એલ. દેસાઇનાં માર્ગદર્શન હેઠળ ટ્રેપ ગોઠવી હતી. અને ધર્મેશ જેઠવાને તેમની જ કચેરીમાં રૂ. ૨૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.
સુ્ત્રાપાડા પંથકમાં સૌથી વધુ કામગીરી ગ્રામ્ય વિસ્તારનાં ફીડરો માટેની થતી હોય છે. જેમાં ઘણુખરું ખેતરમાં થ્રી ફેઈઝની લાઈનનાં થાંભલા, ટ્રાન્સફોર્મર અને લાઈન નવી નાંખવા તેમજ બદલવા માટેનાં કામો થતા હોય છે. કામો નિયમીત થાય તો ખેડૂતોને સમયસર તેનો ફાયદો મળી શકતો હોય છે. વળી ખેડૂતોએ વીજ લાઈન માટે થાંભલા અને તારનો વાયરનો ખર્ચ તો કાયદેસર રીતે ભરવો જ પડતો હોય છે. જા કે, લેબર કોન્ટ્રાકટર પાસેથી ૨૦ હજારની લાંચમાં પકડાયેલા ઈજનેરે અન્ય કોન્ટ્રાક્ટનાં કામોમાં લાંચ માંગી છે કે કેમ એ પણ એક સવાલ છે.