૩ પોલીસ કર્મીઓએ પ્રોહીબીશનના આરોપીને ઢોર માર મારતા ફરિયાદ નોંધાઈ

છોટા ઉદેપુર,
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ભીખાપુરમાં રહેતા રમેશભાઈ મોહનભાઇ ૨૪ નવેમ્બરે સાંજે પોલીસ ચોકી પાસેથી પસાર થતા હતા, ત્યારે ભીખાપુરા પોલીસ ચોકી પર બેઠેલા જમાદાર કિરણ વસાવાએ તેમને કેફી દ્રવ્યનો નશો કર્યો હોવાથી પકડીને કદવાલ પોલીસ મથકે લઇ ગયા હતા અને તેમની ઉપર પ્રોહીબીશનનો ગુનો દાખલ કર્યો હતો. જમાદાર કિરણ વસાવા સહિત ૩ પોલીસ કર્મીઓએ આરોપી રમેશભાઇને રાત્રીના સમયે ઢોર માર માર્યો હતો. જેમાં રમેશભાઈને થાપાનો આખો ભાગ કાળો પડી ગયો હતો. બીજા દિવસે રમેશભાઈના પરિવારજનો પોલીસ મથકે જઈને તેમના જામીન મેળવીને ઘરે લઈ આવ્યા હતા અને ઘરે આવીને રમેશભાઈને તપાસતા તેઓને થાપાના ભાગે ખૂબ ગંભીર ઇજાઓ થયેલી જાતા રાત્રીના સમયે પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેઓને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પીડિત રમેશભાઈએ છોટાઉદેપુર એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં ત્રણેય પોલીસ કોન્સ્ટેબલ કિરણ વસાવા, હાર્દિક અને એક પોલીસ કોન્સ્ટેબલ સામે ઇ.પી.કો. ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવાની માંગ કરી છે.