કામરેજ પેટ્રોલપંપ પાસે કારમાં આગ લાગતાં ચકચાર મચી

સુરત,
કર્મચારીઓએ કારને ધક્કો મારી દૂર કરતા મોટી દુર્ઘટના ટળી
કામરેજમાં પેટ્રોલપંપ પાસે કારમાં આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. કારમાં આગ લાગતાની સાથે જ પંપના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને કારને ધક્કો મારી પંપથી દૂર કરી દીધી હતી. જેથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતા જ ફાયરનો કાફલો દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
કામરેજના બસેરા સોસયટી પાસે આવેલા પેટ્રોલપંપ નજીક આજે એક સીએનજી કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પંપના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને પહેલા કારને ધક્કો મારી પંપથી દૂર કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરીને પંપમાં રહેલા ફાયરના સાધનો દ્વારા કારની આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયરના જવાનોએ પંપના કર્મચારીઓની સમયસૂચકતાને બિરદાવી હતી. કર્મચારીઓના કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી. જાકે, કારની આગ પર કાબૂ મેળવવા પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.