અમદાવાદમાં હજુ કેસ વધશે : મ્યુ. કમિશનર

અમદાવાદ: મંગળવારની સવાર સુધીના છેલ્લા ૧૫ કલાકમાં શહેરમાં વધુ ૩૧ કેસ નોંધાયા છે. હજુ પણ આંબાવાડી, ગુલબાઇ ટેકરા, નવરંગપુરા અને કોટ વિસ્તારમાં આગામી દિવસોમાં પણ કેસ વધશે એવી મજબૂત સંભાવનાઓ છે. અમદાવાદ મનપાના કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોની વાત કરીએ તો માણેકચોકમાં પાંચ, દરિયાપુરમાં ત્રણ કેસ જ્યારે નવરંગપુરામાં એક જ પરિવારના સાત લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. નવા કેસ ચારથી પાંચ પરિવાર સાથે સંકળાયેલા છે. તેથી પરિજનોને ચેપની વધુ શક્યતા છે.
અમદાવાદમાં કુલ ૬,૫૯૫ સેમ્પલ લેવામાં આવ્યા છે અને પેસિવ સર્વેલન્સમાં ૧,૧૮૫ સેમ્પલ લેવાયા છે. જ્યારે ચેકપોસ્ટ પર ૨૪,૬૪૧ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. કુલ ૭૧૯ ટીમોએ ૧.૦૯ લાખ ઘરમાં ચેકિંગ કર્યું છે. ત્યારે ૩૦૭૦ લોકો હાલ ક્વોરન્ટાઈન છે. નેહરાએ જણાવ્યું કે તંત્ર દ્વારા સતત યોગ્ય નિર્ણય લેવા અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે હાલ શહેરમાં પરિસ્થિતિ કાબૂમાં છે. આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોના કેસોની કુલ સંખ્યા ૩૫૧ એ પહોંચી છે જ્યારે ૧૩ લોકોના મોત થયા છે અને ૧૨ લોકો ડિસ્ચાર્જ થયા છે.