કોરોનાને વકરતો અટકાવવા આરોગ્ય શાખા દ્વારા 9301 ઘરોમાં સર્વે કરાયો
છેલ્લા કેટલાક દિવસથી જામનગરમાં કોરોનાએ મોઢુ ફાડ્યું હોય તેમ પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવી રહ્યો છે. દિન-પ્રતિદિન વકરતા જતા કોરોનાને અટકાવવા તંત્ર સંબંધિત વિભાગ દ્વારા કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે અન્વયે મનપાની આરોગ્ય શાખા દ્વારા 4864 લોકોને ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ઉપરાંત હજુ પણ 262 લોકો હોમ કવોરન્ટાઇન અને 188 લોકો ઇન્સ્ટીટયુટ કવોરન્ટાઇન હેઠળ હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.
આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા 9301 ઘરોમાં સર્વે કરી ટેસ્ટ માટે 80 નમુના લેવાયા હતા. 1286 જેટલા માસ્ક વિતરણ કરાયા હતા. તથા લોકોને રોગપ્રતિકારક શકિત વધારવા હોમિયોપેથીક દવા અને આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરાયું હતું. બીજી બાજુ એસ્ટેટ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર મનાઇ હોવા છતાં રેંકડી રાખી વેપાર કરતા વેપારીઓના 22 વજન કાંટા અને 8 રેકડી જપ્ત કરવામાં આવી હતી. હાલમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે લોકો સચેત બને તે પણ જરૂરી છે અને તકેદારી રૂપે પગલા તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)