સિંગલ-વેનું સી-પ્લેનનુ ભાડું ઘટાડીને 1500 નક્કી કરાયું

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારા સી-પ્લેનની મુસાફરી સિંગલ-વેનું ભાડું 4,800 રખાયું હતું. જોકે, ચૌ તરફ ટીકા થતા આખરે રાજ્ય સરકારે ભાડાના દર ઘટાડ્યા. રાજ્ય સરકારે સી-પ્લેનના ઊંચા દરના લઈને થયેલા ઉહાપોહને પગલે ઘટાડો કરીને હવે 1,500 રૂપિયા કર્યુ છે.
સી પ્લેનનું ભાડુ અગાઉ 4,800 હતુ, જેના પગલે આટલા ભાડા અંગે ઉહાપોહ થતા સરકારની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. તેમા મુસાફરોને આકર્ષવા માટે ભાડું ઘટાડીને પંદરસો રૂપિયા કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે સી-પ્લેન પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. અમદાવાદથી કેવડિયા સુધી દિવસમાં બે વખત સી-પ્લેન ઉડાન ભરશે. તેના પછી મુસાફરોના પ્રતિસાદના આધારે ઉડ્ડયન સંખ્યા વધારવામાં આવશે.
આમ બંને દિશાઓમાં મળીને સી-પ્લેન કુલ ચાર વખત ઉડ્ડયન કરશે. એરોપ્લેન અને સી-પ્લેન એ બન્નેમાં તફાવત એટલો જ કે એરોપ્લેન લેન્ડીગ અને ટેક-ઓફ જમીન પર કરે છે જ્યારે સી-પ્લેન જળ સપાટી પર એટલે કે સમુદ્ર, નદી કે તળાવ પર લેન્ડ અને ટેક-ઓફ કરી શકે છે. અમદાવાદમાં આવેલા આ ટ્વિન-ઓટર્સ સી-પ્લેનનું વજન 3377 કિલોગ્રામ છે.1419 લીટર ક્ષમતાની બળતણ ટાંકી ધરાવે છે, મહત્તમ 5670 કિલોગ્રામ વજન સાથે ઉડી શકે છે.
સી-પ્લેન 15.77 મીટર (51 ફુટ) લાંબુ અને 5.94 મીટર 19 ફુટ ઉંચું છે. સી પ્લેન PT6A-34 પ્રકારના સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇન વાળા બે એન્જિન ધરાવે છે.ઉડાન વખતે સી-પ્લેનમાં પ્રતિ કલાક 272 કિલોગ્રામ બળતણની ખપત થાય છે. સી-પ્લેનની ડાબી બાજુ 1.27 x 1.45 મીટરનો દરવાજો આવેલો છે.સી પ્લેનમાં કમ્પ્યુટર કન્ટ્રોલ્સ હોતા નથી, તે લો અલ્ટિટયુડ પર ઉડે છે જ્યાં પાયલટના હાથમાં જ તમામ નિયંત્રણ હોય છે.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોએ પ્રશાંત મહાસાગરના અંતરિયાળ ટાપુઓ સુધી પહોંચવા સી પ્લેનનો ઉપયોગ કરેલો.