ખંભાળિયામાં ધોધમાર પોણા ત્રણ ઇંચ, કાલાવડમાં ૨ કલાકમાં ૨ ઇંચ વરસાદ

• જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમુકામ, બે તાલુકામાં ધીંગો વરસાદ, ગ્રામ્ય પંથકમાં પણ સારા વરસાદથી જગતનો તાત ખુશખુશાલ ખંભાળિયાના નગરનાકા, પોરનાકા, રામનાથ વગેરે નીચાણવાળા વિસ્તાર પાણીથી તરબોળ: પ્રથમ વરસાદના વધામણાં
હાલારમાં સતત ત્રીજા દિવસે મેધરાજાએ મુકામ કર્યો હતો જેમાં ખંભાળિયામાં મંગળવારે બપોરે મંડાયેલા મેઘરાજાએ ચાર કલાકમાં જ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસાવી દેતા શહેરના નિચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થયા હતા. મૌસમના પ્રથમ ધમાકેદાર મેઘાગમનને વધાવવા માટે બાળકો અને યુવાઓ માર્ગો પર નિકળી આવ્યા હતા. જ્યારે જામનગરના કાલાવડમાં સાંજે ઘોધમાર વરસાદ વરસતા બે કલાકમાં જ બે ઇંચ પાણી વરસી જતા સ્થળ ત્યાં જળ સમી સ્થિતિ જોવા મળી હતી.
ખંભાળિયા સહિતના પંથકમાં મંગળવારે સવારથી જ મેઘાવી માહોલ વચ્ચે અસહ્ય ઉકટાળ અને બફારાએ સામ્રાજય જમાવ્યુ હતું. જેમાં ખંભાળિયામાં બપોરે બે વાગ્યા બાદ આકાશમાં ઘેરાયેલા કાળા ડીબાંગ વાદળો વિજળીના કડાકા ભડાકા સાથે ઘોધમાર વરસ્યા હતા જેમાં એકાદ ક્ષણિક વિરામને બાદ કરતા સાંજે છ વાગ્યા સુધી અવિરત વરસાદે ૬૭ મીમી પાણી વરસાવી દિધુ હતું. મૌસમના પ્રથમ જ ધમાકેદાર વરસાદથી રસ્તાઓ પર પાણીના પુર વહી નિકળ્યા હતા. શહેરના મુખ્ય વિસ્તાર નગરગેઇટ, પોર નાકા, રામનાથ વિસ્તાર સહિત નીચાણ વાળા વિસ્તારમાં રસ્તાઓ પાણીથી તરબોળ થયા હતા. અસહ્ય બફારા બાદ મેઘરાજા મહેરબાન થતા બાળકો, યુવાનો અને શહેરીજનો પહેલા વરસાદની મોજ માણી હતી.
ગરમીથી રાહત મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, પ્રથમ વરસાદમાં જ પી.જી.વી.સી.એલ.ની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ હતી. કલાકો સુધી શહેરના મુખ્ય વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ હતી. જેના કારણે લોકોમાં આક્રોશ છવાયો હતો. ખંભાળીયા ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના હળવાથી ભારે વરસાદના ઝાપટા પડતા ધરતીપુત્રોમાં પણ સારા વરસાદ થવાની આશ સાથે ખુશીની લહેર જોવા મળી હતી. જ્યારે કાલાવડમાં ભારે મેઘાડંબર વચ્ચે મોડીસાંજે ગાજવિજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો.લગભગ બે કલાક સુધી ઘોધમાર વરસેલા વરસાદે ૫૦ મીમી પાણી વરસાવી દેતા માર્ગો પણ પાણી પાણી થયા હતા.
જામનગર પંથકમાં વધુ ૨ અબોલ જીવનો ભોગ કાલાવડના લક્ષ્મીપુર (દુધાળા) પંથકમાં વીજળી પડતા બે બળદે જીવ ગૂમાવ્યા છે. જોડીયાના પીઠળ પંથકના એક ખેતરમાં વિજળી પડતા બે બળદે જીવ ગુમાવ્યા હતા જયારે જામજોધપુર પંથકમાં પણ અવકાશી આફતએ એક પશુનો ભોગ લીધો હોવાનું બહાર આવ્યુ છે.જીલ્લામાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ અત્યાર સુધીમાં ૭ પશુઓએ જીવ ગુમાવ્યાનું સામે આવ્યું છે.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756