હારીજ : ખેતરોમાં પાણી ભરાતા અડદના પાકને વ્યાપક નુકશાન

- ખેતરમાં વાવેતર કરેલ કપાસ, અડદના પાક પાણીમાં ગરકાવ સતત ૨૪ કલાક વરસેલા વરસાદને લઈ ખેડૂતોમાં કભી ખુશી કભી ગમનો માહોલ
હવામાન વિભાગની અગાહીના પગલે લાંબા સમય બાદ છેલ્લા ૨૪ કલાકથી પાટણ જિલ્લાના હારીજ પંથકમાં વરસાદી માહોલ જામતા ભારે ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો એક તરફ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોએ વાવેતર કરેલ પાકોને નવ જીવન મળતા ખેડૂત વર્ગમાં ખુશી જોવાં મળી હતી. ત્યારે બીજી તરફ નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાતા વાવેતર કરેલ કપાસના પાકો પાણીમાં ગરકાવ થયા હતા. તેમજ ઉપજ માટે ભેગા કરેલ અડદના ઢગ પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જતા નારાજગી જોવા મળી હતી.
હારીજ તાલુકાના બોરતવાડા ગામના ખેડૂત મહેશભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ ખેતરમાં ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ સહિત અડદના ઢગ પાણીમાં ગરકાવ થતા વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છિનવાતાં ભારે નુકશાનની ભીતિ સેવાઈ હતી. જિલ્લામાં ભારે વરસાદને પગલે બોરતવાડાની આજુબાજુમાં ખેતર વિસ્ત્તારમાં થયેલ અડદ, કપાસના પાક નુક્સાનનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી ખેડુતોએ સરકાર પાસે માંગ કરી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)