પાટણ: પ્રેસ પરિષદમાં ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓની માહિતી અપાઈ

પાટણ: પ્રેસ પરિષદમાં ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓની માહિતી અપાઈ
Spread the love

ભારતના ચૂંટણીપંચ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી -2024 ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જેના અનુસંધાને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં થનાર ચૂંટણીઓ માટે 12.04.2024 ના રોજ નોટિસ બહાર પડશે. ઉમેદવારો 19.04.2024 સુધી ઉમેદવારીપત્રો ભરી શકશે. 20.04.2024 સુધીમાં ભરેલા ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. આ સમયગાળા દરમિયાન ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો 22.04.2024 સુધી પાછા ખેંચી શકશે. ત્યારબાદ 07.05.2024ના રોજ મતદાન યોજાશે. મતદાન યોજાયા બાદ 04.06.2024 ના રોજ મતગણતરી થશે. આ સમગ્ર લોકસભા સામાન્ય ચુંટણી પ્રક્રિયા 06.06.2024 ના રોજ પ્રક્રિયા પૂરી થશે. આજરોજ લોકસભા સામાન્ય ચુંટણી -2024ની તારીખ જાહેર થતા પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કમ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને પ્રેસ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર અરવિંદ વિજયને ચૂંટણીલક્ષી વિગતો પત્રકારોને જણાવતા કહ્યું હતું કે, જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય અને મતદારો નિર્ભય રહીને તથા કોઈ પણ પ્રકારે પ્રભાવિત થયા વિના પોતાના મતાધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે. પાટણ સંસદીય મતદાર વિભાગ કે જેમાં કુલ સાત વિધાનસભા મતદાન વિભાગોનો સમાવેશ થાય છે જેમાં પાટણ જિલ્લાની ૦૪ વિધાનસભા ૧૬-રાધનપુર, ૧૭-ચાણસ્મા, ૧૮- પાટણ, ૧૯- સિદ્ધપુર તથા બનાસકાંઠા જિલ્લાની ૧૧- વડગામ અને ૧૫-કાંકરેજ તથા મહેસાણા જિલ્લાની ૨૦- ખેરાલુ વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે.

તેઓએ જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ દરમ્યાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષા ઉચ્ચ અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને આદર્શ આચારસંહિતા અને તેને સંલગ્ન બાબતો અંગે તાલીમ આપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે આવશ્યક પગલાં લેવા વિગતવાર સૂચના આપવામાં આવેલ છે. જિલ્લામાં કુલ ૧૨ FST, ૧૨ VST, ૦૪ VVT તથા ૦૧ AT ટીમની રચના પણ કરવામાં આવેલ છે. જિલ્લા કલેકટર એ વધુમાં જણાવતા જણાવ્યું હતું કે જિલ્લામાંથી મળતી તમામ પ્રકારની ફરિયાદો માટે જિલ્લા કક્ષાએ ૨૪*૭ ફરિયાદ દેખરેખ કક્ષ અને કોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૨૩૫૭ છે. ઉપરાંત ભારતીય ચૂંટણી પંચ દ્વારા C-Vigil એપ્સ શરૂ કરવામાં આવેલ છે. જેના પર કોઈપણ નાગરિક ફરિયાદ કરી શકશે તથા તેનું નિકાલ 100 મિનિટમાં થશે.

તેઓએ વધુમાં જણાવ્યું કે જાહેર સભા,રેલી વગેરે પરવાનગી સમયસર મળી રહે તે સિંગલ વિન્ડો સિસ્ટમ પણ શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ સિંગલ વિન્ડો સિસ્ટમ કંટ્રોલ જનસેવા કેન્દ્ર, પાટણ ખાતે કાર્ય કરવામાં આવેલ છે જેનો સંપર્ક નંબર ૦૨૭૬૬ ૨૨૪૬૬૦ છે. જિલ્લા કલેકટરએ ફેક ન્યુઝ પર ભાર મુકતા કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ માહિતી અન્ય વ્યક્તિને આગળ મોકલતા પહેલા તેની સત્યતા ચકાસીને મૂકવા જણાવ્યું હતું. આ અંગે પ્રશ્નો હોય તો જીલ્લા કક્ષાએ ૨૪*૭ કાર્યરત કોલ રૂમ પર જણાવી શકે છે. પાટણ સંસદીય મતદાર વિભાગ સંદર્ભે વિગતો આપતા જણાવ્યુ કે, મતદારયાદી મુજબ કુલ ૨૦૨૧૦૫૨ મતદારો નોંધાયેલા છે. આ મતદાર વિભાગમાં ૪૯ સખી મતદાન મથકો, ૦૭ PWD મતદાન મથકો, ૦૭ આદર્શ મતદાન મથકો અને ૦૧ યુવા મતદાન મથક બનાવવામાં આવશે. પાટણ સંસદીય મતદાર વિભાગમાં કુલ ૨૦૭૩ મતદાન મથકોનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટરએ આવનારી લોકસભા ચૂંટણીમાં તમામ નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું.

આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી બી.એસ.પ્રજાપતિ, જીલ્લા પોલીસ અધિક્ષક રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી. એસ.પટેલ, મદદનીશ કલેકટર વિદ્યાસાગર, નાયબ ચૂંટણી અધિકારી એ.પી.ઝાલા, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240316-WA0095-1.jpg IMG-20240316-WA0099-0.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!