રાજપીપળા ખાતે મહેસુલી કર્મચારીઓની માગણીઓ સ્વીકારી હડતાળનો અંત લાવવા બાબતે સરપંચ પરિષદ દ્વારા કલેકટરને આવેદન

- હડતાલને કારણે દરેક તાલુકા મથકે અરજદારોને પરેશાની ભોગવવી પડે છે.
- જેમાં રેશનકાર્ડની, જમીનને લગતા કામો. મધ્યાહન ભોજન, મતદારયાદી વગેરે ખૂબ મહત્વના કામો ઠપ્પ થઈ ગયા છે.
- હડતાળને લીધે જનતા તાલુકે જતા અટવાયા છે તેમજ ગ્રામકક્ષાએ રેવન્યુ ની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે.
છેલ્લા આઠ દિવસથી નર્મદા જિલ્લાના 90 જેટલા મહેસૂલી કર્મચારીઓ તેમની વિવિધ પડતર માગણીઓના સંદર્ભે હડતાલ પર ઉતરી મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે, ત્યારે આ હડતાળનો સુખદ અંત આવે તે માટે આજે રાજપીપળા ખાતે મહેસુલી કર્મચારીઓની માગણીઓ સ્વીકારી હડતાળનો અંત લાવવા બાબતે સરપંચ પરિષદ દ્વારા કલેકટરને બે અલગ આવેદન પત્રો અપાયા હતા.
જેમાં સરપંચ પરિષદના મહામંત્રી નર્મદા ઝોન સમિતિ વડોદરા, ભરૂચ, નર્મદાના નિરંજનભાઇ નગીનભાઈ વસાવા ની આગેવાનીમાં વિવિધ સરપંચો ઉપસ્થિત રહી જિલ્લા કલેકટરને આવેદન આપી. કર્મચારીઓના પ્રશ્નો ચર્ચા કરી હતી, અને કલેકટર ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, મહેસુલમંત્રીને પત્ર લખી સમાધાન કરવા રજૂઆત કરી હતી.
જેમાં પ્રથમ આવેદનમાં જણાવ્યું છે કે તા. 9/ 12/ 2019 થી નાયબ મામલતદારો અને ક્લાર્કો તેઓની જુદીજુદી માંગણીઓને લઇને હડતાલ પર ઉતર્યા છે. આવી હડતાલને કારણે જિલ્લાના દરેક તાલુકા મથકે અરજદારોને પરેશાની ભોગવવી પડે છે. જેમાં રેશનકાર્ડની, જમીનને લગતા કામો, મધ્યાહન ભોજન, મતદારયાદી વગેરે ખૂબ મહત્વના કામો ઠપ્પ થઈ ગયા છે.
હાલમાં રેવન્યુ તલાટીની આ કામગીરી સોપેલ છે પરંતુ આ અગાઉ આ કામો કરેલ ન હોવાથી પૂરતો અનુભવ ન હોવાને કારણે આ કામ યોગ્ય રીતે અને સમય મર્યાદામાં થઈ શકતા નથી. અને ભવિષ્યમાં આ સંદર્ભે કોઇ કાનૂની પ્રક્રિયા થાય તો અરજદાર તેમ જ રેવન્યુ તલાટીઓને નુકસાન થઇ શકે તેમ છે.
રેવન્યુ તલાટીઓની ભરતી કરવાનું મુખ્ય કારણ એ હતું કે રાજ્યમાં રેવન્યુ ની કામગીરી હળવી થાય પરંતુ આ ભરતી થયા પછી પણ આટલા વર્ષોની કર્યા પછી પણ 135 ડી ની નોટીસ સિવાય કોઈ ફિક્ષ્ અને જવાબદાર કામગીરી સોંપી નથી, અને અડધી રેવન્યુ કામગીરી હજુ પણ પંચાયતના તલાટી કમ મંત્રી જ કરી રહ્યા છે. જેનાથી અરજદારોને આવકનો દાખલો, પાણીપત્રક વગેરે માટે અલગ-અલગ તલાટી પાસે જવું પડે છે.
જેથી અરજદારોનો સમય અને નાણા એમ બંને કરી તેમને રાજ્યના જુદા જુદા વિભાગમાં જ્યાં પણ જગ્યા ખાલી હોય ત્યાં મૂકી દેવાથી રેવન્યુ કર્મચારી, પંચાયતના તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટીઓને રાજ્યના અરજદારો એમ બધાનું સુખદ સમાધાન થઇ શકે તેમ છે. અને ખાલી જગ્યાઓ ભરવા થી સરકારને નવી ભરતી કરવાના ખર્ચમાં પણ મુક્તિ મળી શકે તેમ છે. તો અમારા સરપંચ સંગઠનની એવી માગણી છે કે તાત્કાલિક આ હડતાળનો સુખદ અંત લાવીને પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરવા રજૂઆત કરાઇ હતી.
સરપંચ પરિષદ કલેકટરને બીજું પણ એક આવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું છે કે રેશનકાર્ડની કામગીરી હોય તો નાયબ મામલતદારના અંગૂઠા વગર કામ થતું નથી ઇ-ધારા માં નોંધ પાડવા હોય તો નાયબ મામલતદારના અંગૂઠા વગર કામ થતું નથી. આ સિવાય બીજા અનેક કામો જેવા કે વયવંદના, વિધવા સહાય, જમીન વિષયક ન્યાયિક કેસો, એન.એસ.એફ. એ મતદાર સુધારણા રેકડ પ્રાપ્તિ એ.ટી.વી.ટી સેવાઓ વગેરે મહત્વના કામો ઠપ થઈ ગયા છે. હડતાલને લીધે જનતા તાલુકે જતા અટવાય છે, તેમજ ગ્રામ્ય કક્ષાએ રેવન્યુ ની સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે.
ગ્રામ પંચાયતોમાં પૂરતા તલાટી-કમ-મંત્રી નથી તો રેવન્યુ તલાટી અને તલાટી કમ મંત્રીમાં મદદ કરી દરેક ગામના તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે, આમ કરવાથી લોકોને આવકનો દાખલો, સહાયની અરજી, પાણી પત્રક કે જમીનને લગતા મામલાઓ માટે બે જુદા જુદા તલાટી પાસે નહીં જવું પડે ગામે આજે તલાટી મળી રહેતા હોય, તાલુકા સ્થળે અરજદારને ધક્કા ખાવા નહીં પડશે, ગામદીઠ એક તલાટી થવાથી તલાટીને એકથી વધુ ગામના ચાર્જ નહીં રહે.
વડીલો, વિધવા, દિવ્યાંગોને સહાય માટે તાલુકાના ધક્કા મટી જશે. ગામડે ઓનલાઈન સેવાઓનો વ્યાય વધ્યો હોવાથી ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થશે. સરકારના વિવિધ વિભાગોની યોજના એક જ મંચ પર મેળવવામાં લોકોને અનુકૂળતા રહેશે અને ગામડું ધબકતું થશે, પંચાયતની સેવાઓ વધુ સશક્ત થશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)